Connect Gujarat
ભરૂચ

ભરૂચ : રોજી રોટી ચાલુ રહે તેવી માંગ સાથે મુલદ ટોલ ટેક્સ નજીકના લારી-ગલ્લા ધારકોએ તંત્રને આવેદન આપ્યું...

ભરૂચના નેશનલ હાઇવે નંબર 48 પર મુલદ ટોલ ટેક્સ નજીક નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા લારી-ગલ્લા દૂર કરવામાં આવ્યા હતા.

X

ભરૂચના નેશનલ હાઇવે નંબર 48 પર મુલદ ટોલ ટેક્સ નજીક નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા લારી-ગલ્લા દૂર કરવામાં આવ્યા હતા. જેના વિરોધમાં લારી-ગલ્લાવાળાઓએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી લારી-ગલ્લા ફરી ચાલુ થાય તેવી રજૂઆત કરી હતી.

ભરૂચના મુલદ ટોલ ટેક્સ નજીક છેલ્લા ઘણા વર્ષોથી લારી-ગલ્લાવાળાઓ રોડની બન્ને સાઈડ પર નાના-મોટા ઝુંપડા બાંધી વ્યવસાય કરી પોતાના પરિવારની રોજીરોટી પ્રાપ્ત કરતા હતા. પરંતુ ગત ફેબ્રુઆરી માસમાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ટોલનાકાને અડીને આવેલા તમામ લારી-ગલ્લાઓને દૂર કરવામાં આવ્યા હતા. જેને લઇ 100 વધુ લારી ધારકો અને ફેરિયાઓ રસ્તા ઉપર આવી ગયા છે. છેલ્લા 15થી 20 દિવસથી તેઓનો ધંધો પડી ભાંગ્યો છે. જોકે, રોજગાર-ધંધા બંધ થતાં ચાની કેટલીઓ લઈ લોકો હવે રોડ-રસ્તાની બાજુમાં બેસવાનું શરૂ કર્યું હતું. પરંતુ ગત રાત્રે નેશનલ હાઈવે ઓથોરિટી તંત્ર દ્વારા તેઓને અડીને કોઈપણ જગ્યાએ બેસી ધંધો કરવો નહીં કહી બધાને ખસેડવામાં આવ્યા હતા. જેને લઈને તમામ લારી-ગલ્લા ધારકો એકત્ર થઈ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવા આવ્યા હતા.

Next Story