ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલ ઔદ્યોગિક વસાહતની ABG શીપયાર્ડ કંપનીએ નોકરી પરથી છુટા કરેલા સ્થાનિક લેન્ડ લુઝરોને વેલસ્પન કંપનીમાં કાયમી નોકરી આપવા તથા ABG શીપયાર્ડ કંપનીમાંથી બાકી પગાર અપાવવાની માંગ સાથે જાગેશ્વરના સરપંચની આગેવાનીમાં લોક અધિકાર મંચના નેજા હેઠળ મુખ્યમંત્રીને સંબોધીને ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.
ગુજરાત સરકાર દ્વારા ઔદ્યોગિક વિકાસ અર્થે વાગરા તાલુકામાં GIDC મારફતે તથા ખાનગી કંપનીઓ દ્વારા ગ્રામજનોની ખેતીની જમીનો સંપાદન કરવામાં આવી હતી. દેશના વિકાસની ભાવના અર્થે મહામુલી ખેતીની ફળદ્રુપ જમીનો નજીવા વળતરમાં આપી દેવામાં આવી હતી. વાગરા તાલુકાના જાગેશ્વરની ખેતીની જમીનો સને- 1993થી તબકકાવાર માત્ર એકરના રૂ. 1 લાખમાં સંપાદન કરવામાં આવી હતી. જે ખેતીની જમીનો સંપાદન થઇ તે સમયે ખેડૂતોને લોભામણી લાલચો આપવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે, ત્યારે જે તે સમયે જમીન સંપાદન કરતી વખતે તમામ ખેડૂતોને સર્વે નંબર દીઠ એક વ્યક્તિને નોકરી આપવાનું વચન આપવામાં આવ્યું હતું. તે ઉપરાંત એક ખાતા દીઠ ઔદ્યોગિક વાણિજય પ્લોટ આપવાનું પણ વચન આપવામાં આવ્યું હતું. આ સાથે જ દરેક ગામને પાણી, રસ્તા, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા તથા અન્ય પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવાના વચનો પણ આપવામાં આવ્યા હતા. GIDC અને ABG શિપયાર્ડ હાલમાં વેલસ્પન કંપનીના સંચાલકોએ લીધી છે. જેમાં ખેડૂતોની મહામૂલી જમીન સંપાદન કરીને તેઓની રોજગારી છીનવી લઇ આ પરિવારોને બેરોજગારીના ખપરમાં ધકેલી દીધા છે, ત્યારે જાગેશ્વર ગામમાં આવેલી ABG શીપયાર્ડમાંથી છુટા કરેલા સ્થાનિક અને લેન્ડ લુઝર્સને વેલસ્પન કંપની દ્વારા પુનઃ કાયમી નોકરી તેમજ છેલ્લા 37 મહિનાનો બાકી પડતો પગાર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.