/connect-gujarat/media/post_banners/ff3ddfe80a7b8a55c27735c356bf14564339e2932e96cc024d23be0fc10d497d.jpg)
ભરૂચ નગરપાલિકા ડમ્પિંગ સાઈડ મુદ્દે છેલ્લા ઘણા મહિનાઓથી વિવાદમાં રહી છે, ત્યારે અત્યંત દુર્ગંધ તથા મચ્છરોના ઉપદ્રવથી ત્રાહિમામ પોકારી ઊઠેલા થામ સહિત 4 ગામના સરપંચ અને સભ્યોએ પાલિકા કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી.
ભરૂચ નગરપાલિકામાં ડમ્પિંગ સાઈડનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. મનુબર ગામની વચ્ચે કંથારીયા ગામની સીમમાં ખેડૂતના 2 ખેતરોમાં ડમ્પિંગ સાઇડ ઊભી કરી દેતા દુર્ગંધ તથા મચ્છરોના ઉપદ્રવ તેમજ રોગચાળાથી ત્રાહિમામ પોકારી ઊઠેલા ગ્રામજનો વિફર્યા હતા, જ્યાં ડમ્પિંગ સાઈડ પર પહોંચી કામગીરી બંધ કરાવી કચરા ભરેલા વાહનોને રોકી પરત કર્યા હતા. ખેડૂતે વધુ રૂપિયા કમાવવા પોતાના ખેતરમાં ડમ્પિંગ સાઈટ માટે ભરૂચ નગરપાલિકાને જગ્યા ભાડેથી આપી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. ડમ્પિંગ સાઈટના પ્રદૂષિત પાણી ભરવાના કારણે આજુબાજુના ખેતરોમાં ગંદકીના સામ્રાજ્ય સાથે ભુગર્ભ જળને પણ નુકસાન થવા પામ્યું છે. આ સાથે ખેડૂતોને ખેતીમાં પણ મોટું નુકશાન થતું હોવાના કારણે ખેડૂતોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. જે તે સમયે ગેરકાયદેસર ડમ્પિંગ સાઈડ બંધ કરાવતા તાત્કાલિક ભરૂચ નગરપાલીકાના ચીફ ઓફીસર દ્વારા ગ્રામજનો પાસેથી 3 મહિનાનો સમય માંગતા વિવાદ થોડા સમય માટે ટળ્યો હતો. પરંતુ 3 મહિનાનો લાંબો સમય વિત્યા બાદ પણ ડમ્પિંગ સાઈડ બંધ ન કરાવી ચાલુ રખાતા ફરી એક વખત થામ સહિત 4 ગામના સરપંચો તેમજ આજુબાજુના સ્થાનિક અગ્રણીઓ નગરપાલિકા ખાતે ચીફ ઓફીસરને ડમ્પિંગ સાઈડ બાબતે રજૂઆત કરવા પોહોચ્યા હતા. પરંતુ અધિકારી ન હોવાથી પાલિકા પ્રમુખને ડમ્પિંગ સાઈડ બંધ કરવાની માંગ કરવામાં આવી હતી. તો બીજી તરફ, ભરૂચ નગરપાલિકા પ્રમુખ દ્વારા ડમ્પિંગ સાઇડ બાબતે ગ્રામજનો પાસે ફરી સમયની માંગ કરી ડમ્પિંગ સાઈડનો નિકાલ કરવા આશ્વાસન આપ્યું હતું.