સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણીની વિપુલ માત્રામાં આવકના પગલે હાલ ભરૂચમાં નર્મદા નદી ભયજનક સપાટીથી અઢી ફૂટ ઉપર વહી રહી છે ત્યારે ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરી વિસ્તારમાંથી 150 જેટલા લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ડાઉન સ્ટ્રીમમાં તબક્કાવવાર 5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહયું છે જેના પગલે ભરૂચ નજીક પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદી તેની ભયજનક સપાટી 24 ફૂટથી અઢી ફૂટ ઉપર એટલેકે 26.50 ફૂટે વહી રહી છે જેના પગલે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળવાની શકયતા છે જેના પગલે ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરની ગોલ્ડન બ્રિજ ઝૂપડપટ્ટી, દાંડિયા બજાર અને મલબારી દરવાજા સહિતના નીચાણવાળા વિસ્તારોમાંથી 150 જેટલા લોકોનું સ્થાળાંતર કરાવવામાં આવ્યું છે અને તેઓને રહેવા તેમજ જમવાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.
આ ઉપરાંત રેસક્યું ટીમ પણ તૈનાત કરવામાં આવી છે જેમાં નગર સેવા સદનના ફાયર ફાયટરો અને આરોગ્ય વિભાગના અધિકારીઑને સ્ટેન્ડ ટુ રહેવાના આદેશ આપવામાં આવ્યા છે.