રાજ્યભરમાં લેવાનારી ધો. 10 અને 12ની બોર્ડ પરીક્ષા માટે શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં કુલ 48 પરીક્ષા કેન્દ્ર અને 1354 બ્લોક ખાતે કુલ 38,601 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે, ત્યારે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર પણ સજ્જ થયું છે.
ભરૂચ જિલ્લામાં બોર્ડની પરીક્ષાનો આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો હોય, ત્યારે પરીક્ષા અંગે સુચારું આયોજનને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લામાં પણ ધોરણ 10 તથા ધોરણ 12ની પરીક્ષા લેવાનાર છે. બોર્ડની પરીક્ષાને લઈને અનિચ્છનિય બનાવ ન બને તે અંગે પૂરતી કાળજી રાખવા સાથે ગેરરીતિ રોકવા પણ તમામ 48 કેન્દ્રો પર CCTV કેમેરાથી સતત નજર રાખવામાં આવશે. ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ.વસાવાએ બોર્ડ પરીક્ષા અંગેની તૈયારીની માહિતી આપી હતી.
ભરૂચ જિલ્લામાં ભરૂચમાં 19 અને અંક્લેશ્વરમાં 13 પરીક્ષા કેન્દ્રોમાં SSCની પરીક્ષા માટે કુલ 32 કેન્દ્ર તથા 79 બિલ્ડીંગ અને કુલ 814 બ્લોક ફાળવવા આવ્યા છે. જેમાં રિપીટર વિદ્યાર્થીઓ મળીને કુલ 24122 જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા અપાશે, જ્યારે HSC વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માટે ભરૂચ તથા અંક્લેશ્વર ખાતે કુલ 4 કેન્દ્ર, 18 બિલ્ડીંગ અને 192 બ્લોકમાં રિપીટર વિદ્યાર્થીઓ મળીને કુલ 3,606 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12ના સામાન્ય પ્રવાહના 12 કેન્દ્રો 35 બિલ્ડીંગો અને 348 બ્લોકમાં પરીક્ષાર્થીઓ કુલ 10,873 પરીક્ષા આપનાર છે, ત્યારે આજરોજ સવારથી જ પરિક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ અને વાલીઓ વર્ગખંડ સહિતની માહિતી મેળવતા નજરે પડ્યા હતા.