Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જંબુસરમાં આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી લાખોના મત્તાની લૂંટ મામલે પોલીસે 3 લૂંટારુઓને દબોચ્યા...

3 લૂંટારુઓએ આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 15 તોલા સોનું અને રૂ. 3 લાખ રોકડા મળી કુલ રૂ. 11.25 લાખના મત્તાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા

X

ભરૂચ જિલ્લાના જંબુસરમાં ગતરોજ ધોળે દહાડે બાઈક પર આવેલા 3 લૂંટારુઓએ આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 15 તોલા સોનું અને રૂ. 3 લાખ રોકડા મળી કુલ રૂ. 11.25 લાખના મત્તાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા, ત્યારે લૂંટના બનાવના પગલે ભરૂચ પોલીસે એક્શનમાં આવી ગણતરીના કલાકોમાં જ ત્રણેય લૂંટારૂઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

ભરૂચ જિલ્લાના જંબુસરના એચ. રમેશચંદ્ર આંગડિયા પેઢીનો કર્મચારી રાકેશ પ્રજાપતિ વડોદરાથી જંબુસર આવ્યો હતો. જે આંગડિયા પેઢીની ગલીમાં પ્રવેશતા જ બાઇક સવાર 3 બુકાનીધારીઓએ ધસી આવી ચપ્પુની અણીએ તેની પાસેથી 15 તોલા સોનું અને રૂ. 3 લાખ રોકડા મળી કુલ રૂ. 11.25 લાખથી વધુના મત્તાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

આંગડિયા પેઢીની લૂંટની જાણ થતાં જ જંબુસર પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. આ મામલે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ તાત્કાલીક એક્શનમાં આવી જિલ્લાની તમામ સરહદે નાકાબંધી કરાવી હતી. જેમાં લોકલ ફાઇમ બ્રાન્ચ, એસ.ઓ.જી સહિત જિલ્લાના તમામ પોલીસની અલગ અલગ ટીમો બનાવી લૂંટારુઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા હતા.

ભરૂચથી જંબુસર રોડ પર તથા આસપાસના ગામોના ઇન્ટરનલ રસ્તાઓ પર સતત પેટ્રોલીંગ ચાલુ રાખી ટેકનિકલ રાહે તથા હ્યુમન ઇન્ટેલિજન્સથી આ લૂંટનો ગુનો શોધી કાઢવા પોલીસે સઘન પ્રયત્નો હાથ ધર્યા હતા. આ દરમ્યાન પોલીસને બાતમી મળેલ કે, જંબુસરમાં લૂંટ કરી 3 ઈસમો મોટર સાયકલ ઉપર કાસદ ગામથી થામ તરફ નહેરવાળા રસ્તે જોવા મળ્યા છે. જેથી નહેરવાળા રસ્તે પોલીસ જતા ત્રણેય ઇસમો પોલીસને જોઇ બાઈક મુકી આસપાસના ખેતરોની ઝાડી ઝાખરામાં છુપાય ગયા હતા.

જેથી પોલીસની અલગ અલગ ટીમોએ ખેતરો અને ઝાડી-ઝાંખરાઓમાં તપાસ કરતાં ત્રણેય લૂંટારુ પૈકી મુસ્તુફા ઉર્ફે હજામ ઉર્ફે મુસ્તાક શેખ મળી આવતા તેણે પોલીસ ધરપકડથી બચવા પોલીસ કર્મીઓને પથ્થર તથા છરો મારવાનો પયત્ન કર્યો હતો. તેમ છત્તાં પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.

આ સાથે જ અન્ય 2 આરોપીઓને પણ શોધી કાઢ્યા હતા. આમ ત્રણેય લુંટારૂઓને લૂંટમાં ગયેલ મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. પોલીસે લૂંટ અંગે પુછપરછ કરતા શખ્સોએ જણાવ્યુ હતું કે, આ આંગડીયા પેઢીના કર્મચારીની રેકી કરી હતી. સાતેક દિવસ અગાઉ યામીન અને સાહીલ જંબુસર ગયા હતા, અને આ કર્મીનો જંબુસરથી વડોદરા શહેર કીર્તીસ્તંભ સુધી પીછો પણ કર્યો હતો. પરંતુ લોકોની અવર-જવરના કારણે સફળતા મળી ન હતી.

જેથી આ બન્ને આરોપીઓએ મુસ્તુફા ઉર્ફે હજામ ઉર્ફે મુસ્તાકને લૂંટ કરવા સુરતથી બોલાવેલ અને ત્રણેયે ભેગા મળી લૂંટને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલ સોનાના દાગીના, રોકડા રૂપિયા તથા ગુનામાં ઉપયોગ થયેલ હથીયાર અને બાઇક મળી કુલ 13.69 લાખના મુદ્દામાલ સાથે ભરૂના સરનાર ગામના યામીન ગુલામ પટેલ, સાહિલ ઉર્ફે યુસુફ ઈસ્માઈલ પટેલ તેમજ સુરત અમરોલીના કોસાડ ગામના મુસ્તુફા ઉર્ફે હજામ ઉર્ફે મુસ્તાક અમીર શેખની ધરપકડકરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story