ભરૂચ શહેર અને જિલ્લામાં બુધવારની સાંજના ઈદનો ચાંદ દેખાતાની સાથે જ બજારોમાં ચમક વધી ગઈ હતી. લોકોએ ચાંદના દીદાર કરીને એક બીજાને ચાંદ મુબારક પાઠવી હતી. જેના બીજા દિવસે ગુરુવારના રોજ મુસ્લિમ બિરાદરોએ ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરી હતી. ઈદના દિવસે નાના-મોટા અને વડીલ લોકો નવા કપડા પહેરીને મસ્જિદમાં જઈને નમાઝ અદા કરી હતી અને અલ્લાહતાલા પાસે શાંતિ અને સુખ માટે દુવાઓ કરી હતી.
ભરૂચ જિલ્લામાં આવેલા શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલી વિવિધ મસ્જિદોમાં ઈદની નમાજ અદા કરવામાં આવી હતી. ભરૂચ શહેરમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઇદગાહ ખાતે ઈદની નમાજ અદા કરી હતી. નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે લગાવી ઈદ મુબારકબાદી પાઠવી હતી. આજના દિવસે જિલ્લામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
આ તહેવાર નિમિત્તે ઈદગાહના સેક્રેટરી મોહમ્મદ આસિફ હુસૈન અબરાર હુસૈન સૂજનીવાલાએ પણ મુસ્લિમ બિરદારોને ઈદની મુબારકબાદી પાઠવી હતી.
તો આ દરમિયાન “આપ”ના ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા પણ ભરૂચ ઈદગાહ મેદાન પર પહોચ્યા હતા અને મુસ્લિમ બિરદારોને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી.