વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે જૂના ભરૂચ વિસ્તારમાં રોડ-રસ્તાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ, રોડની ગુણવત્તા બાબતે સ્થાનિકોએ હોબાળો મચાવી કામ બંધ કરાવ્યુ હતું. જોકે, કોન્ટ્રાક્ટની વિગતો અને રોડની 3 વર્ષની ગેરંટી મળ્યા બાદ મામલો થાળે પડ્યો હતો.
જૂના ભરૂચ વિસ્તારના સોનેરી મહેલથી સમગ્ર શહેરમાં નવા રોડ માટેના કામનું ખાતમુહૂર્ત નવરાત્રિ દરમ્યાન કરવામાં આવ્યું હતું. પણ વરસાદી માહોલ રહેતા રૂ. 1 કરોડથી વધુના રોડના કામ શરૂ થયા ન હતા. જોકે, હવે ચૂંટણી પૂર્વે ગતરોજ રોડનું કામ શરૂ કરવામાં આવતા સ્થાનિકોએ રોડની ગુણવત્તા બાબતે શંકા કરી હલકુ મટીરીયલ વાપરીને કામ થતું હોવાના આક્ષેપ સાથે ભારે હોબાળો મચાવી કામગીરી બંધ કરાવી હતી. આ દરમ્યાન કોન્ટ્રાકટર તેમજ સ્થાનિક નગરસેવકો સ્થળ પર દોડી આવ્યા હતા. સમગ્ર મામલે ગુણવત્તા બાબતે કોઈ બાંધછોડ કરાતી ન હોવાનું જણાવવા સાથે કોન્ટ્રાક્ટની શરતો અંગે લોકોને માહિતગાર કરવા સાથે કોન્ટ્રાકટર દ્વારા રોડની 3 વર્ષની ગેરંટી હોવાનું પણ જણાવ્યુ હતું. જેના પગલે અંતે સ્થાનિકોમાં આક્રોશ અને શંકા દૂર થઈ હતી અને મામલો થાળે પડતાં કામગીરી પુનઃ શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી એકાદ સપ્તાહમાં પૂર્ણ કરી દેવામાં આવશે, જેથી જૂના ભરૂચ વિસ્તાર 2 દાયકા બાદ નવા રોડ રહીશોને મળશે.
ભરૂચ નગરપાલિકા વિવિધ વિસ્તારોમાં કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ કાર્યો કરી રહી છે, ત્યારે જવાબદાર અઘિકારીઓ અને પદાધિકારીઓ પણ સ્થાનિકોની રજૂઆતોને ધ્યાને લઇ ગુણવત્તા યુક્ત કામગીરી પ્રત્યે સજાગ રહે તે આવશ્યક બન્યું છે.