અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપોરજોય વાવાઝોડાએ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં કહેર વરસાવવાની શરૂઆત કરી દીધી છે તો બીજી તરફ ભરૂચના દહેજ બંદર ખાતે પણ 3 વર્ષ બાદ ફરી એક વખત 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
ભરૂચના દહેજ બંદર ખાતે ગુરૂવારે બપોરથી દુરવર્તી વાવાઝોડાની ચેતવણી આપતું 2 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું હતું પણ બિપોરજોય વાવાઝોડાની તીવ્રતા વધી રહી હોવાથી તે એકદમ ભયાનક સ્વરૂપ ધારણ કરી ચુકયું છે. આવા સંજોગોમાં હવે દહેજ બંદર ખાતે 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. 2021માં અરબી સમુદ્રમાં સર્જાયેલા લો--પ્રેસરના સમયે દહેજ બંદર ખાતે 3 નંબરનું સિગ્નલ લાગ્યું હતું.બીજી તરફ વાગરા, જંબુસર અને હાંસોટ તાલુકાના કાંઠા વિસ્તારના ગામોના લોકોને સાબદા રહેવા કહેવામાં આવ્યું છે. દહેજના દરિયા કિનારે 45 કિમીની ઝડપે પવન ફૂંકાઇ રહયો છે. અગામી દિવસોમાં દહેજનો દરિયો પણ તોફાની બને તેવી સંભાવનાઓના પગલે તમામ માછીમારોને કિનારે પરત બોલાવી લેવામાં આવ્યાં છે. વાવાઝોડાને લઈ 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની અને 15 જૂન સુધી ભારે વરસાદ વરસવાની સંભાવના રહેલી છે.