ભરૂચ જિલ્લાના જંબુસરની 2 યુવતીઓને ઇન્જેક્શન મારી દુષ્કર્મ આચરવાના મામલામાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. બન્ને યુવતીઓનું મેડિકલ ચેકઅપ કરાવાતાં એક યુવતીને 19 સપ્તાહનો ગર્ભ હોવાનું તબીબી પરિક્ષણમાં બહાર આવ્યું છે.
ભરૂચ જિલ્લાના જંબુસરની 2 યુવતીઓને મળવાના બહાને બોલાવી તેમને ડ્રગ્સના ઇન્જેક્શન મારી દુષ્કર્મ આચરવાના કેસમાં પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યાં છે. તો બીજી તરફ, બન્ને યુવતીઓનું મેડિકલ ચેકઅપ કરાવાતાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ બન્ને યુવતી સગી બહેનો છે. જેમાં મોટી બહેનને 19 સપ્તાહનો ગર્ભ હોવાનું તબીબી પરિક્ષણમાં બહાર આવ્યું છે, ત્યારે 25 દિવસ પહેલા દુષ્કર્મ આચરાયું હોવાની ફરિયાદ નોંધાવનાર યુવતીના પેટમાં કોનુ સંતાન છે, તે અંગેની પણ તપાસ હવે શરૂ થઇ છે. અત્રે નોંધનિય છે કે, બન્ને સગી બહેનો તેના નાનીના ઘરે રહેતી હતી. તેમણે પિતાનું છત્ર ગુમાવ્યા બાદ માતાએ પણ બીજા લગ્ન કરી લીધાં હોય, જેથી બન્ને બાહેનો અલગ રહેતી હતી. જોકે, આ બન્ને બહેનો યાસીન તેમજ નઇમના સંપર્કમાં કેવી રીતે આવી તેની પણ હાલ તપાસ ચાલી રહી છે. આ તરફ, ઝડપાયેલાં આરોપી યાસીન તેમજ નઇમના પોલીસે 4 દિવસના રિમાન્ડ મેળવી તપાસનો ધમધમાટ વધુ તેજ કર્યો છે. જોકે, આ મામલામાં સંડોવાયેલા અને ડ્રગ્સ આપનાર દેરોલ ગામના ઇલ્યાસ અલ્લી હુસેન મલેકની પણ કાવી પોલીસે ધડપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.