Connect Gujarat
ભરૂચ

ભરૂચ : પુરી પછીની સૌથી પૌરાણિક રથયાત્રા, ફુરજા વિસ્તારમાં સમસ્ત ભોઈ સમાજ દ્વારા નીકળી ભવ્ય રથયાત્રા...

250 વર્ષથી સમસ્ત ભોઈ પંચ દ્વારા યોજાતી રથયાત્રા, ફુરજા વિસ્તારમાં જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી

X

ભરૂચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ ભગવાન જગન્નાથજીના મંદિરેથી ઓરિસ્સાના પુરી પછી સૌથી પૌરાણિક અને છેલ્લા 250 વર્ષોથી સમસ્ત ભોઈ પંચ દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે અષાઢી બીજના પવિત્ર દિવસે પરંપરાગત વસ્ત્ર પરિધાન સાથે ભોઈ સમાજ દ્વારા ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી હતી. આ રથયાત્રા દરમ્યાન ઢોલી અને શરણાઈના સુરો સાથે ભજનોની રમઝટ વચ્ચે રથમાં ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે બિરાજમાન થઈ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા હતા.

આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના ઉપ દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ આટોદરિયા, ભાજપ મહામંત્રી નિરલ પટેલ, પાલિકા પ્રમુખ અમિત ચવાડા, ભરૂચ જિલ્લા પોલીસવડા ડોક્ટર લીના પાટીલ સહિત મોટી સંખ્યામાં ભોઈ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. એટલું જ નહીં, કોઈ અનિચ્છનિય ઘટના ન ઘટે તે માટે રથયાત્રાના સમગ્ર રૂટ ઉપર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

Next Story