ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા મથકે આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે મહિલા પ્રોફેસરના ફોટો પાડવા સહિતના મુદ્દે વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા મથકે આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ અવારનવાર વિવાદમાં સપડાતી રહે છે. થોડા દિવસો અગાઉ કોલેજમાં નેશનલ લેવલના સેમીનારમાં એક પ્રોફેસરનું બેચ તુટી જવાથી ક્લાકૅ-કારકુન તરીકે ફરજ બજાવતી સહાયક મહિલા તેમને મદદ કરતા હતા. જે દરમ્યાન કોલેજમાં જ લાયબ્રેરીયન તરીકે ફરજ બજાવતા એક પ્રોફેસરે તેમનો ફોટો પાડ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ સહિતના વિવિધ મુદ્દે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ બહાર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી ભારે હોબાળો મચાવ્યો હતો. મહિલા પ્રોફેસરના ફોટો પાડવા સહિતના મુદ્દે નેત્રંગના કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ વિરોધ દર્શાવ્યો હતો. બનાવની જાણ થતાં જ કોલેજના સતાધીશો ગેટ નજીક દોડી આવ્યા હતા, જ્યાં સામસામે એકબીજાના નિવેદનો અને રજૂઆતો સાંભળી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. તો બીજી તરફ, બનાવના પગલે નેત્રંગ પોલીસ કાફલો પણ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે દોડી આવી હોબાળો મચાવનાર વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે, કોલેજ સ્ટાફ દ્વારા વિદ્યાર્થિનીઓ સાથે છેડતી અને ગેરવર્તન કરવામાં આવે છે. જેનો તમામ વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ દર્શાવી કોલેજના 3 પ્રોફેસર તેમજ લાઇબ્રેરીયનને સસ્પેન્ડ કરવાની ઉગ્ર માંગ કરી હતી.