ભરૂચ જિલ્લામાં વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ જે.એસ.એસ ભરૂચ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી સંક્લનમાં ત. ૦૩/૦૪/૨૦૨૪'થી ૨૩/૦૪/૨૦૨૪' દરમ્યાન જુદા-જુદા સ્થળોએ વિવિધ કાર્યક્રમો આયોજીત કરાયા હતા. સદર કાર્યક્રમોમા જુદી-જુદી સ્પર્ધાઓમાં ભાગ લેનાર તાલીમાર્થીઓને પૂર્ણાહુતીના દિવસે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતી રાઓલ, નિયામક ઝ્યનુલ સૈયદ તથા કાકાબા હોસ્પીટલ ટ્રસ્ટના વિણા ચાંપાનેરીઆ અને અન્ય મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જે.એસ.એસ ભરૂચ દ્વારા આયોજિત મતદાન જાગૃતી અંતર્ગત યોજાયેલા વિવિધ કાર્યક્રમોની પૂર્ણાહુતી કરવામાં આવી હતી. સ્વાગત પ્રવચન કરતા ઝ્યનુલ સૈયદે આ 9 દિવસ દરમ્યાન યોજાયેલ કાર્યક્રમની વિગતો રજુ કરી હતી, જ્યારે શિક્ષણ નિરીક્ષક દિવ્યેશ પરમાર આગામી લોકસભા ચૂંટણીના અનુસંધાને સ્વીપ કાર્યક્રમ તથા તેની અગત્યતા વિશે વિસ્તૃત ચર્ચા કરી આગામી લોકસભાની ચૂંટણી માટે મહત્તમ મતદાન કરાવવા આ સંસ્થાનના તાલીમાર્થીઓ અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ જે ઉત્કૃષ્ટ કામગીરી કરી તેની સરાહના કરી હતી. ત્યારબાદ જે.એસ.એસના તજજ્ઞ અર્પિતા રાણાએ ક્વિઝ કાર્યક્રમ યોજી મતદાન અંગે વિવિધ પ્રશ્નોતરી કરી સ્પર્ધકોમાં સાચા જવાબો આપનારને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા, જ્યારે અતિથિ વિશેષપદે જેએસએસના બોર્ડ મેમ્બર કે.કે.રોહીત દ્વારા સંસ્થા દ્વારા હાથ ધરાયેલ આ મહત્વપૂર્ણ કામગીરી અંગે ભારોભાર પ્રશંસા વ્યક્ત કરી હતી અને તમામ વિજેતા તાલીમાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. પ્રમુખ સ્થાનેથી બોલતા જિલ્લા શિક્ષણ અધીકારી સ્વાતી રાઓલે જે.એસ.એસ ભરૂચ દ્વારા આયોજીત સમગ્ર કામગીરીને બીરદાવી જે.એસ.એસની ટીમ તથા તાલીમાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમની પૂર્ણાહૂતીના દિવસે યોજાયેલ ક્વિઝ સ્પર્ધામાં વિજેતા તાલીમાર્થીઓને વિશેષ અભિનંદન પાઠવી, તેમની સાથે સેલ્ફી ફોટોગ્રાફી કરી હતી. કાર્યક્ર્મના અંતે જે.એસ.એસના ફિલ્ડ અને લાઈવલી હુડ કો-ઓર્ડીનેટર ક્રિષ્ણા કઠોલીયાએ આભાર વ્યક્ત કર્યો હતો, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન હેતલ પટેલે કર્યુ હતું.