Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ટી.પી. સ્કીમ રદ્દ કરવા તવરા ગામના ખેડૂતોએ યોજી રેલી, ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા તંત્રનું સમર્થન

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલ ટાઉન પ્લાનિંગ સ્કીમના વિરોધમાં તવરા ગામના ખેડૂતોએ શક્તિનાથ સર્કલથી રેલી યોજી હતી

X

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલ ટાઉન પ્લાનિંગ સ્કીમના વિરોધમાં તવરા ગામના ખેડૂતોએ શક્તિનાથ સર્કલથી રેલી યોજી હતી. આ સાથે જ ખેડૂતોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી ટી.પી. સ્કીમને રદ્દ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.

ભરૂચ-અંકલેશ્વર શહેર વિકાસ સત્તા મંડળની રચના બાદ પ્રથમ વખત 5 ટીપી સ્કીમ જાહેર કરવામાં આવી છે. આ ટીપી સ્કીમમાં 682 હેક્ટર જમીનને આવરી લેવામાં આવી છે. જોકે, ભરૂચ જિલ્લાની પૂર્વ પટ્ટી પર આવેલ તવરા ગામમાં ભરૂચ-અંકલેશ્વર શહેર વિકાસ સત્તા મંડળ દ્વારા હાલમાં જ વિકાસના નામે ટાઉન પ્લાનિંગ સ્કીમની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે આ ટી.પી. સ્કીમની કરાયેલી જાહેરાતના બીજા દિવસથી જ ખેડૂતોમાં વિરોધનો સૂર ઉઠવા લાગ્યો છે. જેના પગલે તવરા ખેડૂત સંઘર્ષ સમિતિની રચના કરી તંત્રથી લઇ ન્યાયલય સુધીની લડત માટે તૈયારી કરવામાં આવી છે, તેવામાં આજે ખેડૂતોએ રેલી સ્વરૂપે શક્તિનાથ સર્કલથી કલેક્ટર કચેરીએ જઈ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. જેમાં ટી.પી. સ્કીમને રદ્દ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. જો, આ ટી.પી. સ્કીમ રદ્દ કરવામાં નહીં આવે તો ખેડૂતોએ આગામી 10 દિવસ બાદ ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી, ત્યારે ખેડૂતોના સમર્થનમાં વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા પણ જોડાયા હતા, અને આ ટી.પી. સ્કીમ સામે વિરોધ હોવાનું જિલ્લા કલેક્ટરને જણાવ્યુ હતું.

તો બીજી તરફ, તવરા ટી.પી. સ્કીમ સામેના વિરોધ અંગે ખેડૂતોની જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ રજૂઆતો સાંભળી હતી. જેમાં બૌડા દ્વારા ખેડૂતોને વિશ્વાસમાં લેવામાં ન આવ્યા હોવાથી ખેડૂતોનો વિરોધ હોવાનું જણાવ્યુ હતું. આ સાથે જ ખેડૂતોના હિતમાં નિર્ણય કરાશે તેવી જિલ્લા કલેક્ટરે ખાતરી આપી હતી. જોકે, હવે ખેડૂતોનો વિરોધ અને આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીને જોતાં આ ટી.પી. સ્કીમનું બાળ મરણ થાય તો નવાઇ નહીં.

Next Story