Connect Gujarat
ભરૂચ

રાજ્યમાં વાલ્મીકિ સમાજ પર વધી રહેલા અત્યાચારના બનાવો, ભરૂચ જિલ્લા વાલ્મીકિ સમાજ દ્વારા વિરોધ...

X

સમગ્ર રાજ્યમાં અમદાવાદ સહિત અન્ય સ્થળે વાલ્મીકિ સમાજના લોકો પર થયેલ અત્યાચારના મુદ્દે ભરૂચ જિલ્લા વાલ્મીકિ સમાજ દ્વારા રેલી યોજી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સાથે જ ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી સફાઈ કર્મીઓની સુરક્ષા માટેની પણ માંગ કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લાના વાલ્મીકિ સમાજના આગેવાન ડી.સી.સોલંકીની આગેવાનીમાં ભરૂચ નગરપાલિકાથી વાલ્મીકિ સમાજના અગ્રણીઓ અને સફાઈ કર્મીઓએ હાથમાં બેનરો અને સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી. વાલ્મીકિ સમાજ દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને કલેક્ટર કચેરી ખાતે અપાયેલ આવેદન પત્રમાં જણાવાયું હતું કે, વાલ્મિકી સમાજ આજે પણ કચડાયેલો અતિ પછાત સમાજ છે.

જે સફાઈની કામગીરી કરી પ્રજાને સ્વચ્છ રાખવા માટે પોતે રોગનો ભોગ બની પ્રજાને નિરોગી રાખે છે. આ સમાજની બેન-દિકરીઓ સફાઇ કામ કરવા માટે સવારે 7 વાગ્યાથી કામગીરી શરૂ કરે છે, તેમની સુરક્ષા માટે આજદિન સુધી સરકારે કોઈ જ વ્યવસ્થા કરી નથી. રાજ્યમાં જાતિય હિંસાઓ અને મહિલાઓ ઉપર થઇ રહેલ જાતિય દુષ્કર્મના બનાવોને સખત શબ્દોમાં વખોડી કહેવાયું છે કે, અમદાવાદના નરોડા વિસ્તારમાં ભોગ બનનાર અનિતા વાધેલા સફાઇની કામગીરી કરતા હતા, ત્યારે નરાધમોએ તેઓ પાસે શારીરિક માંગણી કરતા તેણીએ પ્રતિકાર કર્યો હતો. જેથી હવસખોરોએ અનિતાબેનને માર મારી તેમને મોતને ધાટ ઉતારી દીધી હતી. આ હત્યારા નરાધમોની તાત્કાલીક ધરપકડ કરવામાં આવે તેમજ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી તેમને ફાંસીની સજા કરવાની માંગણી કરવામાં આવી છે. તેમજ મૃતકના પરિવાર ને રૂ. 50 લાખની સહાય કરવાની પણ માંગ કરાઇ છે.

આ ઉપરાંત ભાવનગરમાં સુભાષનગર વિસ્તારમાં 3 ભાઈઓએ સફાઇ કામદાર રવિ બારૈયાને જાતિ વિશે અપમાનિત શબ્દો કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી ઢોર માર મારતા સફાઈ કામદારનું મોત નીપજ્યું છે. તો સુરેન્દ્રનગર જીલ્લાના ચુડા તાલુકાના સમઢીયાણ ગામે દલિત ખેડુત અલ પરમાર અને મનજી પરમાર ઉપર 10-15 ઇસમોએ તલવાર-લાકડીઓથી માર મારી કરપીણ હત્યા હતી. આ બનાવોમાં અપરાધીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી તેમની ધરપકડ કરી ફાંસીની સજાની માંગણી કરવામાં આવી છે.

Next Story