/connect-gujarat/media/post_banners/1f9e29b2943f705d2b506a8161ec6dfbd10eb2b8d12d45410cfd5112ea954de9.jpg)
ભરૂચની મૂલદ ચોકડીથી ઝઘડીયાને જોડતો મુખ્ય માર્ગ વરસાદના વિરામ બાદ અત્યંત બિસ્માર બની જતાં ગ્રામજનોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું.
રાજ્યમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર રસ્તાઓની હાલત અત્યંત ખરાબ થઈ છે. જેને લઇને લોકો પરેશાન થઇ રહ્યા છે, જ્યારે તંત્ર કામગીરી કરી હોવાના બણગા ફૂંકી રહ્યુ છે, ત્યારે ભરૂચ જિલ્લામાં ખરાબ રસ્તાઓને લઈ લોકોમાં ઉકળતો ચરૂ જોવા મળી રહ્યો છે. ભરૂચની મૂલદ ચોકડીથી ઝઘડીયાને જોડતો મુખ્ય માર્ગ વરસાદના વિરામ બાદ હવે અત્યંત બિસ્માર અને ધૂળિયો બની ગયો છે, ત્યારે ખરાબ રસ્તાથી કંટાળેલા નાના સાંજા તેમજ ગોવાલીના ગ્રામજનો વિરોધ કરવા રસ્તા પર ઉતરી આવ્યા હતા, જ્યાં રસ્તો રોકી ભરદારી વાહનોની અવર-જવર સામે વિરોધ નોંધાવ્યો હતો. વારંવાર રજૂઆતો અને માંગણીઓ છતાં બિસ્માર માર્ગનું નવીનીકરણ નહીં કરાતા ગોવાલી ગામના ગ્રામજનો ઉતરી પડ્યા હતા.
ગ્રામજનો રસ્તા રોકો આંદોલન કરતા જોતજોતામાં બન્ને તરફ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. જોકે, ભારે ટ્રાફિક જામ સર્જાતા પોલીસ તંત્ર પણ દોડતું થયું હતું. પોલીસે ગ્રામજનોને સમજાવી મામલો થાળે પાડી રસ્તા પરથી હટાવતા વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો.