ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કડોદરા ગામની હદમાં આવેલ જંગલ વિસ્તારમાં ગેરકાયદે દેશી બાવળ કાપી નાખવાનું કૌભાંડ બહાર આવતા આસપાસના ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો.
મળતી માહિતી અનુસાર, ભરૂચના વાગરા તાલુકાના કડોદરા ગામની સિમમાં કડોદરા ચોકડીથી અગ્ગર તરફ જવાના રોડની બાજુના જંગલ વિસ્તારમાં એક ઈસમ દ્વારા ગેરકાયદેસર રીતે દેશી બાવળ કાપી નાખવામાં આવતા ગ્રામજનો દોડી આવ્યા હતા. જેમાં અંદાજે 200થી વશુ દેશી બાવળનું નિકંદન કાઢી નાખતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો, ત્યારે વૃક્ષનું નિકંદન કાઢવા મશીનો સાથે ધસી આવેલા ઈસમને ગ્રામજનોએ પૂછતા સરપંચે મંજૂરી આપી હોવાનો ઉડાવ જવાબ મળ્યો હતો. દેશી બાવળ કટિંગ કરતા કોન્ટ્રાકટર પાસે કોઈ પરવાનગી નહીં રહેતા વન વિભાગ દ્વારા આવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી છે.