Connect Gujarat
ભરૂચ

કાર ભરૂચમાં અને ટોલ કપાયો વાપી ટોલનાકે, ફાસટેગમાંથી પૈસા કપાયા હોવાનો મેસેજ આવતા કાર માલિક અચંબિત..!

ગાડી ભરૂચમાં પાર્ક છે તો આ ટોલ વાપીમાં કેવી રીતે કપાયો..! આ અંગે તેઓએ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને વાપી ટોલ મેનેજરને જાણ કરી હતી.

X

ટોલના સુચારુ આયોજન માટે સરકાર દ્વારા ફાસટેગ ફરજિયાત

ફાસટેગના અમલમાં કેટલીક ખામી રહી હોવાનું આવ્યું છે સામે

અંકલેશ્વરના રહીશ હિમાંશુ લીંબચીયાની કાર હતી ઘર આંગણે

તેઓને વાપી ટોલનાકેથી રૂ. 75 કપાયા હોવાનો મળ્યો મેસેજ

હાઇવે ઓથોરિટી અને વાપી ટોલ નાકા મેનેજરને જાણ કરાય

ટોલના સુચારુ આયોજન માટે કેન્દ્ર સરકારે ફાસટેગને ફરજિયાત બનાવ્યું છે. જેના કારણે વાહનચાલકનો સમય પણ વ્યય થતો નથી, અને સરકારની તિજોરીને પણ કોઈ નુકસાન થતું નથી. પરંતુ આ વ્યવસ્થાના અમલીકરણમાં કેટલીક ખામી રહી જવાના કારણે વાહનચાલકોએ આર્થિક નુકસાન વેઠવું પડે છે. જેનો તાજો કિસ્સો ભરૂચના એક વાહન માલિક સાથે બન્યો છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના રહીશ હિમાંશુ લીંબચીયા પોતાની માલિકીની GJ-16-DG-2556 નંબરની ક્રેટા કાર ધરાવે છે. તેઓ છેલ્લા એક અઠવાડિયાથી ભરૂચ જિલ્લો છોડીને બહાર ગયા નથી. પરંતુ પરમ દિવસે રાત્રે તેમની ગાડીના ફાસટેગ સાથે લિંક મોબાઈલ નંબર ઉપર ભગવાડા-વાપી પરથી 75 રૂપિયા ટોલ પેટે કપાયા હોવાનો તેઓને મેસેજ મળ્યો હતો. આ મેસેજ જોઈને હિમાંશુ લીંબચીયા ચકિત થઈ ગયા હતા કે, ગાડી ભરૂચમાં પાર્ક છે તો આ ટોલ વાપીમાં કેવી રીતે કપાયો..! આ અંગે તેઓએ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને વાપી ટોલ મેનેજરને જાણ કરી હતી.

વાપી ટોલ મેનેજરે તેમને એક સફેદ કલરની ક્રેટાનો વિડિયો મોકલ્યો હતો. જેનાથી તેમનો ટોલ કપાયો હતો. ટોલ સંચાલકોએ આ અંગે તેમના બચાવમાં કહ્યું હતું કે, જ્યારે ફાસટેગ ડીટેક્ટ ન થાય ત્યારે મેન્યુઅલ નંબર નાખતી વખતે જો નંબર લખવામાં આંકડાની ભૂલ થાય તો ટોલ કપાય જતો હોય છે. જેની ફરિયાદ કરવામાં આવે તો રિફંડ પણ મળી જતું હોય છે. પરંતુ વિડિયોમાં દેખાતી કારનો નંબર સ્પષ્ટ દેખાતો ન હોવાથી નંબર માગતા વાપીના ટોલ સંચાલકોએ આ નંબર બરાબર દેખાતો નથી તેવું બહાનું આપી નંબર આપવાની ચોખ્ખી ના કહી દીધી હતી, જેથી હિમાંશુ લીંબચીયાને દાળમાં કંઇક કાળું હોવાની શંકા ઉપજી હતી.

આ અંગે હિમાંશુ લીંબચીયાએ શંકા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જો ટોલવાળાઓ નંબર દેખાતો નથી એવું કહી હાથ અધ્ધર કરી લેતા હોય તો વિડિયોમાં દેખાતી કાર મારી ગાડીની જેમ બ્લેક હોય અને આગળ જઈને હિટ એન્ડ રન કરે તો ટોલના ડેટામાં મારો જ નંબર દેખાય ને...

તેઓએ બીજો પણ ગંભીર સવાલ કર્યો હતો કે, જો ફાસટેગ ડિટેક્ટ ન થાય તો એવા સંજોગોમાં વાહન માલિક પાસે રોકડા રૂપિયા લેવાના હોય તો આ ટોલવાળા જે ગાડીનો નંબર દેખાતો ન હોય તો મેન્યુઅલી નંબર કેવી રીતે નાખી શકે..! હકીકતમાં આ એક ગોટાળો છે. જો બધા ટોલ પર તપાસ કરવામાં આવે તો મોટી ગેરરીતિ સામે આવી શકે છે. ભરૂચમાં પણ એવા બનાવ બન્યા છે કે, ગાડી ટોલબુથમાંથી પસાર નથી થતી તેવી ગાડીઓના પણ ટોલ કપાય રહ્યા હોવાનું કાર માલિક હિમાંશુ લીંબચીયાએ જણાવ્યુ હતું.

Next Story