સૌરાષ્ટ્ર તરફ પડી ભાંગેલા મકાનોને તેમજ અત્યંત જોખમી મકાનમાં રહેતા લોકોના મકાનો તોડી તેઓને નવું મકાન બનાવી આપનાર ખજૂરભાઈની પ્રેરણાથી ભરૂચના યુવાને એક પરિવારનું મકાન 15 દિવસ પહેલા સળગીને ખાખ થઈ ગયેલું મકાન ઉભું કરી પરિવારને સોપતા પરિવારના જીવનમાં અજવાળું પથરાયું હોવાનો અનુભવ પીડિત પરિવાર કરી રહ્યું છે. ભરૂચનો એક યુવાન કે, જે હંમેશા જરૂરિયાતમંદ લોકો માટે આર્શીવાદરૂપ બનીને રહેતો હોય છે, તે જ યુવાને ગરીબ પરિવારના જીવનમાં અજવાળું પાથરવાનું કામ કર્યું છે.
ભરૂચના અયોધ્યા નગર ઝુપડપટ્ટી નજીક 15 દિવસ પહેલા દીવાની જ્વાળાએ આખું મકાન લપેટમાં લીધું હતું, અને ગરીબ પરિવારનું મકાન બળીને ખાખ થઈ ગયું હતું. સાથે જ ઘરવખરી પણ બળીને ભસ્મીભૂત થઈ ગઈ હતી. જોકે, બહાર ગામથી પરત ફરી પોતાના ઘરે આવતા ખાખ થઈ ગયેલું મકાન જોઈ તેઓના માથે આભ તૂટી પડ્યું હતું. આ દરમ્યાન નજીકમાં રહેતા વિશાલ નામના એક વ્યક્તિએ ગરીબ પરિવારને મદદરૂપ થવાનું વિચાર્યું હતું. વિશાલભાઈએ જરૂરિયાતમંદ લોકોની હંમેશા પડખે રહેતા બી.કે.પટેલનો સંપર્ક કર્યો હતો, ત્યારે ફક્ત 15 દિવસમાં તાબડતોબ મકાનનું સમારકામ કરાવી આ પરિવારને પોતાનું મકાન પરત આપતા પરિવારના જીવનમાં અજવાળું પથરાયું છે.