ભરૂચ અંકલેશ્વર વચ્ચે આવેલ જૂના માંડવા સ્થિત નર્મદા નદી કિનારે 400 વર્ષ પૂર્વે માતાજીની જય આદ્યા શકિતની આરતીની રચના સુરત ખાતે રહેતા શિવાનંદ સ્વામીએ કરી હતી.જય આદ્યાશક્તિ- તમે કેટલી બધી વખત ગાયું છે પણ શું તમને ખબર છે કોણે- ક્યારે અને ક્યાં આ આરતીની રચના થઈ હતી !
સ્વામી શિવાનંદ એક સમયે ખંભાતમાં લક્ષ્મીની પ્રાણપ્રતિષ્ઠા કરી વડવાઓના જૂના ગામ માંડવા બુઝુર્ગ જઈ રહ્યા હતા દરમિયાન ઇસ 1622માં તેઓ સાંજના સમયે નર્મદા નદીના કિનારે દેવી અંબાના મંદિર નજીક ધ્યાનમાં હતા. તે સમયે સૂરજ આથમવાની તૈયારી હતી. માડીનું કંકુ આકાશમાંથી ખરતું હોય એમ દક્ષિણ દિશામા માતાજી પ્રગટ થયા હતા. સ્વામી શિવાનંદે દર્શનથી અભિભૂત થઈને તે વેળાએ નર્મદા નદીના તટે માતાજીની આરતીની રચના કરી હતી.આદ્યા શક્તિ માતાજીની આરતીના 16માં અધ્યાયની પંક્તિમાં નર્મદા નદી કિનારાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. સંવત સોળ સત્તાવન, સોળસે બાવીસમાં, મા સોળસે બાવીશમાં સંવત સોળે પ્રગટ્યા, સંવત સોળે પ્રગટ્યા રેવાને તીરે, ઓમ જયો જયો મા જગદમ્બે. આ પંકિતમાં માતાજી રેવાના કિનારે પ્રગટયા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શિવાનંદ પંડયાએ 'સ્વામી શિવાનંદ' તરીકે ખ્યાતિ મેળવી છે. આશરે 400 કરતા પણ વધુ વર્ષો પહેલા તેઓએ આ આરતીની રચના કરી હતી. ભરૂચમાં ઓસારા માતાજીનું મંદિર જેમ માત્ર મંગળવારના દિવસે જ ખુલ્લુ રહે છે તેમ આ મંદિર માત્ર રવિવારના દિવસે જ ખુલ્લુ રહે છે. કહેવાય છે કે રવિવાર એ માતાજીનો પસંદગીનો વાર હોવાથી માત્ર આ દિવસે જ મંદિર ખુલ્લુ રહે છે. આ મંદિરની બાજુમાં હનુમાન દાદાનું મંદિર, મહાદેવનું મંદિર પણ આવેલ છે. અહીં લોકોની બાધાઓ પૂર્ણ થતી હોવાની માન્યતા રહેલી છે. લોકો મંદિર ખાતે દૂર દૂરથી દર્શનાર્થે આવે છે. લોકો પુત્ર પ્રાપ્તિ, રોગ દૂર થવા સહિતની માનતાઓ રાખે છે. માનતા પૂર્ણ થયા બાદ લોકો મંદિર સ્થિત પોતાની ઈચ્છા પ્રમાણે ચાંદી ચઢાવે છે તો કોઈ પેંડા પ્રસાદ ધરાવે છે.