/connect-gujarat/media/post_banners/d2a6c40d50e271f135827a01be237295aa03c2b26a4612dfb068e1fb08790003.jpg)
રાજ્યભરમાં રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોતમ રૂપાલાની ઉમેદવારીને લઇને ક્ષત્રિયો વિરોધ કરી રહ્યાં છે. વિવાદિત નિવેદનથી શરૂ થયેલો વિરોધ શમવાનું નામ લેતો નથી, ત્યારે આ મામલે ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે ભરૂચ અને નર્મદા જિલ્લા સમસ્ત ક્ષત્રિય-રાજપૂત સમાજ દ્વારા અસ્મિતા સંમેલન યોજાયું હતું. ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં વિશાળ સંખ્યામાં ભરૂચ અને નર્મદા જિલ્લાના ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ક્ષત્રિય સમાજની પહેલાથી જ એક જ માંગ છે કે, રૂપાલાની લોકસભાની ટિકિટ રદ કરવામાં આવે. રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ અડગ છે. અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિય અગ્રણીઓએ સંબોધન કર્યું હતું. સમગ્ર સંમેલનનો માત્ર એક જ એજન્ડા છે કે, રૂપાલાની ટિકિટ રદ કરવી, સંમેલનમાં ટિકિટ રદ નહીં થાય તો પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ચીમકી પણ આપવામાં આવી છે. અન્ય સંગઠનના ક્ષત્રિય સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચમાં આયોજીત ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં સંકલન સમિતિના પ્રમુખ યુવરાજસિંહ જાડેજા, સહ-કન્વીનર કરણસિંહ ચાવડા, ભરૂચના રાજપુત સમાજના યુવા આગેવાન વિરપાલસિંહ અટોદરિયા, પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, સંદીપ માંગરોળા સહિત સમાજના આગેવાનો, વડીલો, યુવાનો અને મોટી સંખ્યામાં સમાજની મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.