મતદારો જે પળની રાહ જોતાં હતા, તે ઘડી આવી ગઈ છે. આજે તા. 7મી મેના રોજ વહેલી સવારે 7 કલાકથી સમગ્ર રાજ્યમાં લોકસભા 2024ની ચૂંટણી માટેના મતદાનની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે, ત્યારે ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા, ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા અને ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવાર દિલિપ વસાવા વચ્ચે વસાવા VS વસાવા વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળ્યો છે. ભારે રસાકસી ભરી ભરૂચ લોકસભા બેઠક પર મતદાન પ્રક્રિયા શરૂ થતાં જ વહેલી સવારથી મતદારો મતદાન મથકે પહોચ્યા હતા.
આ તરફ વાત કરીએ અંકલેશ્વરની તો, અંકલેશ્વરમાં મહિલા અને પુરુષ મળી 2.50 લાખથી વધુ મતદારો નોંધાયા છે. અંકલેશ્વર શહેર તથા GIDC રહેણાંક વિસ્તાર સહિત તાલુકા મથકે મતદાન પ્રક્રિયા શરૂ થતાં જ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોચ્યા હતા.
વહેલી સવારથી જ પોતાના વોટર ID કાર્ડ અને સ્લીપ લઈ મોટી સંખ્યામાં મતદારો કતારમાં જોવા મળતા ખરા અર્થમાં લોકશાહીના પર્વની ઉજવણી કરી હોવાની પ્રતીતિનો અનુભવ કરાવ્યો છે. તો બીજી તરફ, અંકલેશ્વરમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર સજ્જ બન્યું છે.