-
મનપાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો
-
તમામ 52 ઉમેદવારોનો ‘જનસેવા સંકલ્પ‘ કાર્યક્રમ
-
જનસેવા સંકલ્પ સાથે પ્રચાર અભિયાનના શ્રી ગણેશ
-
પૂર્વ પ્રદેશ અધ્યક્ષ તથા કેન્દ્રિય મંત્રીની ઉપસ્થિતિ
-
રણનીતિ અને સેવાના લક્ષ્ય અંગે વિગતો અપાય
ભાવનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટીના તમામ 52 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ ‘જનસેવા સંકલ્પ‘ કાર્યક્રમ સાથે પ્રચાર અભિયાનના શ્રી ગણેશ કર્યા છે.
ગુજરાત રાજ્યમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે, ત્યારે ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આર.સી.ફળદુ તથા કેન્દ્રિય મંત્રી નિમુ બાંભણીયાની અધ્યક્ષતામાં ‘જનસેવા સંકલ્પ‘ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત મનપા ચૂંટણીના 52 ઉમેદવારો માટે સંકલ્પ લેવાનો કાર્યકમ યોજાયો હતો. જેમાં આગેવાનોએ પાર્ટીની રણનીતિ અને સેવાના લક્ષ્ય અંગે વિગતો આપી હતી.
ભારતીય જનતા પાર્ટીના તમામ 52 ઉમેદવારોનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્ર સેવા, દેશહિતને સર્વોપરી રાખી કાર્ય કરવું, શહેરના પાયાના પ્રશ્નો અને આધુનિક સુવિધાઓ પર ભાર મુકવો, પંડિત દીનદયાળ ઉપાધ્યાયના ‘અંત્યોદય‘ના વિચારને સાર્થક કરી સમાજના છેવાડાના અને નાનામાં નાના માણસ સુધી સરકારી યોજનાઓ અને સેવાનો લાભ પહોંચાડવા આહવાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય સેજલ પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં તમામ 52 ઉમેદવારોએ જનતાના વિશ્વાસ પર ખરા ઉતરવા માટેના શપથ લીધા હતા.
