નર્મદા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી થયેલા ભારે વરસાદના પગલે સાગબારા તાલુકાના ચોપડવાવ અને નાના કાકડીઆંબા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની નોંધપાત્ર આવક થઈ છે. પરિણામે ચોપડવાવ ડેમ તેની સંપૂર્ણ સપાટીએ ભરાઈ ગયો છે, જ્યારે નાના કાકડીઆંબા ડેમ પણ સંપૂર્ણ સપાટીએ ભરાવાની તૈયારીમાં છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંઘે બંને ડેમની સ્થળ મુલાકાત લઈ પાણીની આવક, જળ સંગ્રહની સ્થિતિ તેમજ સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી હાલની પરિસ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવી હતી.

નર્મદા જિલ્લા કલેક્ટરએ સ્થાનિક વહીવટી તંત્રને નીચાણવાળા વિસ્તારો પર સતત નજર રાખવા, જરૂરી સાવચેતીના પગલાં લેવા તેમજ કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર સતત સતર્ક છે અને નાગરિકોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને પણ અપીલ કરવામાં આવે છે કે, ડેમ, નદી કે પાણી ભરાયેલા વિસ્તારોની નજીક જવાનું ટાળે, તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે અને અફવાઓથી દૂર રહી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખે અને સલામતી જાળવી રાખે.