ભાવનગર : મહિલા સશક્તિકરણ પખવાડીયા અંતર્ગત “દિકરી દિવસ”ની ઉજવણી, દીકરીઓને સહાયના મંજુરી હુકમ અપાયા

New Update
ભાવનગર : મહિલા સશક્તિકરણ પખવાડીયા અંતર્ગત “દિકરી દિવસ”ની ઉજવણી, દીકરીઓને સહાયના મંજુરી હુકમ અપાયા

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહિલા સશક્તિકરણ પખવાડીયા અંતર્ગત તા. 1 ઓગષ્ટથી 14 ઓગસ્ટ સુધી વિવિધ થીમ આધારિત કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ગત તા. 2જી ઓગસ્ટના રોજ “દિકરી દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે સમાજમાં દિકરીઓના જન્મના વધામણા કરવા અને સમાજમાં દિકરીઓની ભૃણ હ્ત્યા અટકે, દિકરીઓના બાળ લગ્ન થતા અટકે, દિકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે તે હેતુથી ગુજરાત સરકારે શરૂ કરેલ વ્હાલી દિકરી યોજનાના 50 લાભાર્થી દિકરીઓને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા એક દિકરી દિઠ રૂ. 1,10,000/-ની સહાયના મંજુરી હુક્મ રૂબરૂ તેમના ઘરે જઇને આપવામાં આવ્યા હતા.

આ અંગે વધુ માહિતિ આપતા જિલ્લા મહિલા અને બાળ અધિકારી કે.વી. કાતરીયાએ જણાવ્યુ હતુ કે, વ્હાલી દિકરી યોજના અંતર્ગત વાર્ષિક 2 લાખની આવક ધરાવતા કૂટુંબના ઘરે તા. 2જી ઓગષ્ટ 2019 બાદ જન્મેલ પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દિકરીઓને રૂ. 1,10,000/-ની સહાય 3 તબક્કામાં મળવાપાત્ર છે. પ્રથમ તબક્કામાં દીકરી 1 ધોરણમાં પ્રવેશે ત્યારે 4 હજાર, ધોરણ 9માં પ્રવેશે ત્યારે બિજા 6 હજાર અને દીકરી 18 વર્ષની થાય, ત્યારે તેના ઉચ્ચ શિક્ષણ અથવા તો લગ્ન સહાય માટે રૂ. 1,00,000 મળવાપાત્ર છે. લાભાર્થીઓ વ્હાલી દિકરી યોજનાના અરજી ફોર્મ્સ નજીકની આંગણવાડીમાંથી પણ મેળવી શકશે.

Latest Stories