ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં એક ખાનગી બોયઝ હોસ્ટેલમાં અભ્યાસ કરતા ધોરણ 9ના માસૂમ વિદ્યાર્થી સાથે રેગિંગ અને શારીરિક-માનસિક ત્રાસનો પર્દાફાશ થતા ચકચાર મચી ગઈ હતી.
ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાંથી શિક્ષાના ધામને કલંકિત કરતી અને હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. એક ખાનગી બોયઝ હોસ્ટેલમાં અભ્યાસ કરતા ધોરણ 9ના માસૂમ વિદ્યાર્થી સાથે રેગિંગ અને શારીરિક-માનસિક ત્રાસનો પર્દાફાશ થયો છે. હોસ્ટેલમાં રહેતા ધોરણ 12 સાયન્સના 4 સિનિયર વિદ્યાર્થીઓ અને અન્ય 2 વિદ્યાર્થીઓ દ્વારા આ સગીરનું સતત શોષણ કરવામાં આવતું હતું.
પીડિત વિદ્યાર્થીના પિતાના જણાવ્યા અનુસાર, સિનિયર વિદ્યાર્થીઓ માસૂમ બાળક પાસે પરાણે માથું દબાવડાવતા, શરીરની માલિશ કરાવતા અને હોસ્ટેલના નાના-મોટા કામો કરાવતા હતા. જો બાળક આ કામ કરવાની ના પાડે, તો તેને કેમેરાની નજરથી દૂર એટલે કે CCTV વગરની જગ્યાએ લઈ જઈને ચપ્પલ અને ઢીકાપાટુ વડે નિર્દયતાથી માર મારવામાં આવતો હતો. આટલું જ નહીં, બાળકના વાલીએ ગંભીર આક્ષેપ કર્યો છે કે તેને પરાણે સિગારેટ પણ પીવડાવવામાં આવતી હતી.
અમાનુષી અને સતત ત્રાસના કારણે માસૂમ બાળકની માનસિક સ્થિતિ એટલી હદે કથળી ગઈ હતી કે તે ડરીને રાત્રે ડાયપર પહેરીને ઊંઘવા માટે મજબૂર બન્યો હતો. આ શરમજનક કિસ્સામાં હોસ્ટેલના બે રેક્ટરની ભૂમિકા પણ શંકાસ્પદ રહી છે. આક્ષેપ છે કે રેક્ટરો વિદ્યાર્થીઓને સિગારેટ લાવી આપતા હતા અને આ સમગ્ર કાંડમાં સામેલ હતા.
હોસ્ટેલ સંચાલકોએ કોઈ કાર્યવાહી ન કરતા આખરે આક્રોશિત વાલીએ નિલમબાગ પોલીસ મથકે લેખિત અરજી આપી હતી. વાલીની માંગ છે કે દાખલારૂપ કડક કાર્યવાહી થાય જેથી ભવિષ્યમાં કોઈ માસૂમ સાથે આવું કૃત્ય ન થાય. હાલ નિલમબાગ પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની તજવીજ હાથ ધરી છે.
