-
ભાવનગર મહાનગરપાલિકાની ઘોર બેદરકારી
-
ICDSની ભંગાર જીપમાંથી મનપાના દસ્તાવેજો મળી આવ્યા
-
રોડ,ટેક્સ અને ટાઉન પ્લાનિંગની ફાઇલો રસ્તા પર રઝળતી મળી
-
જીપમાં દસ્તાવેજો કેવી રીતે પહોંચ્યા? સ્ટોર વિભાગે હાથ ઊંચા કર્યા
-
સમગ્ર ઘટના અંગે કોંગ્રેસે જવાબદારો સામે FIRની કરી માંગ
ભાવનગર મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીનો એક એવો કિસ્સો સામે આવ્યો છે.જેણે સમગ્ર વહીવટી તંત્રની પોલ ખોલી નાખી છે. શહેરના ભરચક વિસ્તાર એવા મોતીબાગ ટાઉન હોલ પાસે લાંબા સમયથી પડી રહેલી ICDS વિભાગની એક ભંગાર જીપમાંથી મનપાના વિવિધ વિભાગોના અત્યંત મહત્વના દસ્તાવેજો મળી આવ્યા છે.
ભાવનગર મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીએ સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી માહોલમાં વિવાદોનો ઉકળતો ચરુ સર્જી દીધો છે.આ ઘટનાએ સમગ્ર વહીવટી તંત્રની પોલ ખોલી નાખી છે. શહેરના ભરચક વિસ્તાર એવા મોતીબાગ ટાઉન હોલ પાસે લાંબા સમયથી પડી રહેલી ICDS વિભાગની એક ભંગાર જીપમાંથી મનપાના વિવિધ વિભાગોના અત્યંત મહત્વના દસ્તાવેજો મળી આવ્યા છે.
ચોંકાવનારી વાત તો એ છે કે, આ જીપ જાહેર માર્ગ પર બિનવારસી હાલતમાં પડી છે. જેમાં રોડ વિભાગ, પ્રોપર્ટી ટેક્સ અને ટાઉન પ્લાનિંગ જેવા સંવેદનશીલ વિભાગોની ફાઈલોનો ઢગલો જોવા મળ્યો હતો. સામાન્ય રીતે જે દસ્તાવેજોને સ્ટ્રોંગ રૂમ કે રેકોર્ડ રૂમમાં સુરક્ષિત રાખવાના હોય, તે આજે રસ્તા પર ધૂળ ખાઈ રહ્યા છે.
જ્યારે આ મામલે મનપાના સ્ટોર વિભાગના અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે પોતાની જવાબદારી સ્વીકારવાને બદલે સ્પષ્ટ નનૈયો ભણી દીધો હતો. બીજી તરફ, વાહન ICDS વિભાગનું હોવાથી વિભાગો વચ્ચેના સંકલનનો પણ અભાવ છતો થયો છે.
મનોહરસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આ માત્ર બેદરકારી નથી, પણ એક મોટું કૌભાંડ હોઈ શકે છે. કોઈ મોટા ભ્રષ્ટાચારના પુરાવા નાશ કરવા માટે આ ફાઈલ અહીં ફેંકી દેવામાં આવી હોય તેવું લાગે છે.અમે જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરીએ છીએ.હાલ તો આ ઘટનાએ ભાવનગરમાં ભારે ચર્ચા જગાવી છે. ટેક્સના નાણાં વસૂલતું તંત્ર પોતાના દસ્તાવેજો સાચવવામાં નિષ્ફળ રહ્યું છે,ત્યારે હવે જોવાનું એ રહેશે કે મનપા કમિશનર આ મામલે કોની સામે પગલા લે છે.
