ભાવનગર શહેરમાં કટ્ટરપંથી વિચારધારા સાથે સંકળાયેલા હોવાની શંકાના આધારે એક મૌલાનાની ધરપકડ કરવામાં આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. પોલીસે આરોપી પાસેથી પુસ્તક, લેટરપેડ સહિત કેટલાક મહત્વના પુરાવાઓ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

ભાવનગર શહેરના સીદસર 25 વારીયા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાંથી પોલીસે 26 વર્ષીય સફિક અબ્બાસ મહેરીયા નામના મૌલાનાની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી પાસેથી પોતાના હાથે લખાયેલું કટ્ટરપંથી વિચારધારા સાથે સંકળાયેલું પુસ્તક, લેટરપેડ તેમજ અન્ય કેટલાક દસ્તાવેજી પુરાવા મળી આવ્યા છે. આ તમામ સામગ્રીના આધારે તપાસને વધુ વેગ આપવામાં આવ્યો છે. આરોપી મૂળ બનાસકાંઠા જિલ્લાનો રહેવાસી છે, અને તે ભરૂચ જિલ્લાના જંબુસરમાં ધાર્મિક શિક્ષણ મેળવ્યા બાદ ભાવનગર ખાતે આવ્યો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. વધુમાં 2 વ્યક્તિઓ દ્વારા આરોપીને આર્થિક સહાય એટલે કે, ફંડિંગ કરવામાં આવતું હતું. આ બન્ને વ્યક્તિઓની ભૂમિકા શું હતી, અને ફંડિંગનો હેતુ શું હતો, તે અંગે તપાસ ચાલી રહી છે. હાલ પોલીસે સમગ્ર નેટવર્ક, સંપર્કો અને મળેલા પુરાવાઓના આધારે વધુ તપાસ હાથ ધરી છે.