દેશભરમાં
ડુંગળીના વધી રહેલા ભાવો લોકોને રડાવી રહયાં છે ત્યારે કચ્છ જિલ્લામાં લોકોએ
ડુંગળીની ખરીદી બંધ કરતાં વેચાણમાં 25 ટકાનો ઘટાડો નોંધાયો છે.
ડુંગળીના
આસમાને પહોંચી ગયેલા ભાવ હવે પેટ્રોલ અને ડીઝલને વટાવી ચુકયાં છે. ચાલુ વર્ષે
ચોમાસું લાંબુ ખેંચાતા ડુંગળીના પાકને નુકશાન થયું છે. ડુંગળીની માંગ સામે પુરવઠો
ઘટી જવાથી ડુંગળીના ભાવ રોજબરોજ વધી રહયાં છે. ડુંગળીના ઉત્પાદનની વાત કરવામાં આવે
તો મહારાષ્ટ્ર, બંગાળ અને
કાઠિયાવાડમાં વરસાદના કારણે ડુંગળીનો પાક ધોવાઈ ગયો છે.
કચ્છમાં
રાજકોટ અને ગોંડલથી ડુંગળીની આયાત કરવામાં આવે છે. ડુંગળીનો ભાવ પ્રતિ કિલો 100 રૂપિયાને પાર કરી જતાં લોકોએ હવે રોજીંદા
ભોજનમાં ડુંગળીનો વપરાશ ઘટાડી દેતાં તેની સીધી અસર વેચાણ પર જોવા મળી રહી છે. કચ્છ
જિલ્લામાં એક અંદાજ પ્રમાણે ડુંગળીના વેચાણમાં 25 ટકા જેટલો ઘટાડો થયો છે. કચ્છમાં હજીય
એકાદ મહિનો ભાવ વધારો રહેશે બાદમાં સ્થિરતા આવશે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે.
ડુંગળીના વધી રહેલા ભાવોને અંકુશમાં લેવા માટે પુરવઠા વિભાગ પણ સક્રિય બન્યું છે.
ભુજ માર્કેટ યાર્ડ ખાતે ડુંગળીના જથ્થાબંધ વેપારીઓને ત્યાં જીલ્લા પુરવઠા અધિકારી
અને તેમની ટીમે આકસ્મિક ચેકીંગ પણ કર્યું હતું. આકસ્મિક તપાસ દરમિયાન વેપારીઓ પાસે
કોઇ બફર સ્ટોક ના હોવાનું બહાર આવ્યું હતું