બુધવારે ભારત સરકારે તેના તાજેતરના પખવાડિક સમીક્ષા દરમિયાન ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ની નિકાસ પરના ‘વિન્ડફોલ ટેક્સ’માં વધારો કર્યો હતો, જ્યારે પેટ્રોલની નિકાસ પરના ટેક્સમાં ઘટાડો કર્યો હતો. આ ફેરફારો ગુરુવાર, 16 જુલાઈથી અમલમાં આવ્યા. નાણા મંત્રાલયની સૂચના અનુસાર, પેટ્રોલ પરની નિકાસ ડ્યુટી 4 રુપિયા પ્રતિ લિટરથી ઘટાડીને 2.5 રુપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે.
ડીઝલની નિકાસ પરના વિન્ડફોલ ટેક્સને 8.5 રુપિયા પ્રતિ લિટરથી વધારીને 15.5 રુપિયા પ્રતિ લિટર કરવામાં આવ્યો છે, જ્યારે ATFની નિકાસ પરના ટેક્સને 7.5 રુપિયા પ્રતિ લિટરથી વધારીને 14.5 રુપિયા પ્રતિ લિટર કરવામાં આવ્યો છે. વૈશ્વિક તેલ બજારમાં નોંધપાત્ર અસ્થિરતા વચ્ચે વિન્ડફોલ ટેક્સમાં આ ફેરફાર લાગુ કરવામાં આવ્યો છે.
બુધવારે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં આશરે 2 ટકાનો વધારો થયો અને તે પ્રતિ બેરલ 84.73 ડોલરની એક મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યું. આ વધારો ત્યારે થયો જ્યારે અમેરિકાએ ઈરાન પર ફરીથી નૌકાદળ દ્વારા નાકાબંધી (નેવલ બ્લોકેડ) લાગુ કરી છે, જેનાથી હોરમૂઝની સામુદ્રધુની મારફતે થતા તેલ પુરવઠા અંગે ચિંતાઓ ઊભી થઈ, આ એક અત્યંત મહત્વપૂર્ણ માર્ગ છે જે સંઘર્ષ પહેલાં વિશ્વના કુલ તેલ પ્રવાહના લગભગ 20 ટકા હિસ્સાનું વહન કરતો હતો.
જિયો પોલિટિકજ ટેન્શન અને તેલ ટેન્કરો પરના હુમલાઓ દ્વારા ભાવમાં વધારાને ટેકો મળ્યો, જોકે ફુગાવા અને નબળી પડતી વૈશ્વિક માંગ અંગેની ચિંતાઓએ વધુ લાભને મર્યાદિત કર્યો. રશિયામાંથી નિકાસમાં ઘટાડો સહિત પુરવઠા વિક્ષેપોને કારણે ડીઝલ રિફાઇનિંગ માર્જિન વધ્યું હોવાથી ઇંધણ બજાર પણ દબાણ હેઠળ રહ્યું.
વિન્ડફોલ ટેક્સમાં મોટો ફેરફાર: ડીઝલ અને ATF મોંઘા, પેટ્રોલ પર રાહત
