ભારત યુકે વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડિલ
ભરૂચ જિલ્લાને મળ્યો લાભ
પ્રથમ નિકાસ યુકે રવાના કરાય
સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત
સ્થાનિક ઉત્પાદનને વધુ વેગ મળવાની આશા
ભરૂચ ઝઘડિયાથી ભારત અને યુકે વચ્ચે થયેલ ઐતિહાસિક ફ્રી ટ્રેડ ડિલ અંતર્ગત પ્રથમ નિકાસ જથ્થો સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં યુકે માટે રવાના કરવામાં આવ્યો હતો
ભારત અને યુનાઇટેડ કિંગડમ (યુકે) વચ્ચે થયેલા ઐતિહાસિક ફ્રી ટ્રેડ ડીલ (FTA)ના લાભો હવે ભરૂચ જિલ્લાના ઉદ્યોગો સુધી પહોંચવા લાગ્યા છે. ઝઘડિયા જીઆઈડીસી સ્થિત બ્રેક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની ફ્લોમેટાલિક યુનિટમાંથી ફ્રી ટ્રેડ ડીલ હેઠળનો પ્રથમ નિકાસ જથ્થો યુકે માટે રવાના કરવામાં આવતા ભરૂચના ઔદ્યોગિક ક્ષેત્ર માટે ગૌરવની ક્ષણ સર્જાઈ હતી.આ નિકાસ માત્ર એક વેપારી વ્યવહાર નહીં પરંતુ ભરૂચના ઉદ્યોગોને વૈશ્વિક બજારમાં નવી ઓળખ અપાવનાર મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. ફ્રી ટ્રેડ ડીલના કારણે શુલ્કમાં મળનારી રાહતથી ગુજરાતના ઓટો કોમ્પોનન્ટ, એન્જિનિયરિંગ, કેમિકલ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને પણ લાંબા ગાળે સીધો લાભ મળવાની સંભાવના છે.
બ્રેક્સ ઇન્ડિયા દ્વારા રેનોલ્ટ કંપની માટે તૈયાર કરાયેલા બ્રેકના કાસ્ટિંગ પાર્ટ્સનો કુલ 13,200 નંગનો જથ્થો યુકે મોકલવામાં આવ્યો છે. 25,656 કિલોગ્રામ વજન ધરાવતા આ જથ્થાની કિંમત અંદાજે 39,020 યુરો હોવાનું જણાવાયું હતું.નિકાસ જથ્થાને લીલી ઝંડી બતાવવાના કાર્યક્રમમાં ડીજીએફટીના આઈએએસ અધિકારી અનુપમ કુમાર, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, સેવંતુ વસાવા, રવજી વસાવા તેમજ કંપનીના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.વિશેષજ્ઞોના મતે ફ્રી ટ્રેડ ડીલથી ભારતીય ઉત્પાદનો માટે યુકેના બજારના દ્વાર વધુ ખુલ્લા બનશે. પરિણામે સ્થાનિક ઉત્પાદન વધશે, નવા રોકાણોને પ્રોત્સાહન મળશે અને રોજગારીની તકોમાં પણ વધારો થશે. ભરૂચ જેવા ઔદ્યોગિક જિલ્લાઓ માટે આ કરાર વિકાસની નવી સંભાવનાઓ લઈને આવ્યો હોવાનું માનવામાં આવે છે.
