ફિફા વર્લ્ડ કપ 2026ની બીજી સેમિફાઇનલમાં ફૂટબોલ ચાહકોને રોમાંચથી ભરપૂર મુકાબલો જોવા મળ્યો. એક સમયે ઈંગ્લેન્ડની જીત લગભગ નિશ્ચિત લાગી રહી હતી, પરંતુ લિયોનેલ મેસીના બે અદ્ભુત પાસે આખી મેચનો રંગ બદલી નાખ્યો. આર્જેન્ટિનાએ અંતિમ ક્ષણોમાં બે ગોલ ફટકારી 2-1થી જીત મેળવી. હવે ફાઇનલમાં તેનો મુકાબલો સ્પેન સામે થશે.
અટલાન્ટાના મર્સિડીઝ-બેન્ઝ સ્ટેડિયમમાં રમાયેલી સેમિફાઇનલની શરૂઆતથી જ બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. પ્રથમ હાફ દરમિયાન ખેલાડીઓ વચ્ચે અનેક વખત તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. બંને ટીમોએ તક બનાવવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ ગોલ થઈ શક્યો નહોતો. પરિણામે પ્રથમ હાફ 0-0ની બરાબરી પર પુરી થો.મેચની 55મી મિનિટે ઈંગ્લેન્ડને મોટી સફળતા મળી હતી. મોર્ગન રોજર્સના શાનદાર પાસને એન્થની ગોર્ડને ગોલમાં ફેરવી ટીમને 1-0ની સરસાઈ અપાવી હતી. આ ગોલ બાદ ઈંગ્લેન્ડના ખેલાડીઓ વધુ આત્મવિશ્વાસ સાથે રમતા દેખાયા અને ફાઇનલનો રસ્તો લગભગ સાફ દેખાતો હતો.
મેચના અંતિમ તબક્કામાં લિયોનેલ મેસીએ પોતાની ક્લાસ બતાવી. 85મી મિનિટે મેસીએ ડિફેન્ડરોને ચકમો આપી એન્ઝો ફર્નાન્ડેઝને ચોક્કસ પાસ આપ્યો. ફર્નાન્ડેઝે જોરદાર શોટ મારી સ્કોર 1-1 કરી દીધો. આ ગોલે આર્જેન્ટિનાને નવી ઊર્જા આપી.મેચ એક્સ્ટ્રા ટાઈમ તરફ જઈ રહ્યો હતો ત્યારે ઈન્જરી ટાઈમમાં મેસીએ ફરી એક વખત કમાલ કરી બતાવી. તેમના સચોટ પાસને લાઉતારો માર્ટિનેઝે ગોલમાં ફેરવી દીધો. માત્ર થોડા જ મિનિટોમાં આર્જેન્ટિનાએ 1-0થી પાછળ હોવા છતાં 2-1ની લીડ મેળવી લીધી.
મેસીનો જાદુ, આર્જેન્ટિનાની ફાઇનલમાં એન્ટ્રી; ઈંગ્લેન્ડને 2-1થી હરાવ્યું
