પતંગના પર્વ ઉત્તરાયણની ઉજવણી દરમિયાન કપાયેલી પતંગના દોરો અન્ય લોકો માટે જીવલેણ સાબિત ન થાય તે માટે અંકલેશ્વરના વિધ્નેશ્વરી પેટ્રોલિયમના ઉપક્રમે સેફટીગાર્ડનું વિતરણ કરાયું હતું.
ઉત્તરાયણ પહેલાં જ આકાશમાં રંગબેરંગી પતંગો ઉડતી જોવા મળી રહી છે અને કપાયેલી પતંગોના દોરાએ ભરૂચમાં તો એક આશાસ્પદ પરણિતાનો ભોગ પણ લઇ લીધો છે. પતંગની દોરી કોઇના માટે જીવલેણ સાબિત ન થાય તે માટે અંકલેશ્વરના વિધ્નેશ્વરી પેટ્રોલિયમ તરફથી વાહનચાલકોને 500થી સેફટીગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું.. આ પ્રસંગે ભારતીય રેલ કમિટીના સભ્ય અને સામાજીક અગ્રણી અનુરાગ પાંડે, વિધ્નેશ્વરી પેટ્રોલિયમના માલિક સુમિત પાંડે, પોલીટેક કોટિંગ્સના ચેરમેન સંતોષ પ્રધાન હાજર રહયાં હતાં. આ અવસરે અનુરાગ પાંડેએ જણાવ્યું હતું કે,
દર વર્ષે સમગ્ર રાજ્યમાં હજારો લોકો પતંગના દોરાના કારણે ઇજાગ્રસ્ત થાય છે એને કેટલાક લોકોનું ગળું કપાઈ જવાના કારણે મોત પણ થઈ જાય છે તેથી અમે સેફટીગાર્ડ આપી લોકોને ઇજાગ્રસ્ત થતાં રોકવા માંગીએ છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરાયણ પહેલાં ભરૂચ પોલીસે વાહનચાલકોને સેફટીગાર્ડ લગાવવા માટે અપીલ કરી હતી. પોલીસની અપીલને ધ્યાનમાં લઇ પ્રોલાઇફ ફાઉન્ડેશન અને કનેકટ ગુજરાત તરફથી વાહનચાલકોને વિનામુલ્યે સેફટી ગાર્ડ આપ્યાં હતાં. આ ભગીરથ કાર્યને અનુરાગ પાંડે તથા તેમની ટીમે આગળ વધારી એક સરાહનીય પ્રયાસ કર્યો છે.