Connect Gujarat
બ્લોગ

બ્લોગ : ઋષિ દવે / ગઝલસંગ્રહ 'ક્યાં ખબર હતી!'ની હવે બધાને ખબર પડી. કિરણ જોગીદાસ 'રોશન' બનીને ઝળહળ્યાં.

બ્લોગ : ઋષિ દવે / ગઝલસંગ્રહ ક્યાં ખબર હતી!ની હવે બધાને ખબર પડી. કિરણ જોગીદાસ રોશન બનીને ઝળહળ્યાં.
X

કવયિત્રી કિરણ જોગીદાસ 'રોશન'ના ગઝલ સંગ્રહ 'ક્યાં ખબર હતી!' નો વિમોચન કાર્યક્રમ અને કવિ સંમેલન 18મી માર્ચ 2024, રાતે ડો. બાબા સાહેબ આંબેડકર હોલ, ભરૂચ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે અંકલેશ્વરના અવની ફાઉન્ડેશનના સેક્રેટરી શ્રીમતી રસીલાબહેન પટેલ પધાર્યા અને એકપણ શબ્દ બોલાવ્યા વગર એમણે સમગ્ર કાર્યક્રમ માણ્યો એ માટે એમને હૃદયપૂર્વક ધન્યવાદ.

'ક્યાં ખબર હતી!' ગઝલસંગ્રહનું વિમોચન ડો. મહેશ ઠાકર, ઋષિ દવે અને શ્રી નરેશ પુજારા તેમજ કવિગણે કર્યું હતું.

કિરણ જોગીદાસએ એમની સર્જનયાત્રાની વાત કરતા આ પંક્તિઓ ટાંકી હતી.

હોવાપણું આ કેવું! કે ઊંચકી શકો નહીં!

ખાલીપણાનો ભાર હશે, ક્યાં ખબર હતી!

જ્યાં રોગના ઈલાજની આશા હતી ઘણી,

એ વૈદ્ય ખુદ બીમાર હશે, 'ક્યાં ખબર હતી!'

પતિ ધીરેન સાહિત્યનો જીવ. એટલે આજે હું અર્થસભર જીવન જીવી રહી છું. દીકરો મિલાપ ઘણા સમયથી મને કહ્યા કરતો કે મમ્મી, તું તારું પુસ્તક કર. આજે એની ઈચ્છા પૂર્ણ થઈ એમ કહેતા એમણે કહ્યું :

તેં રોમરોમ મારું એવું કર્યું છે ઝબ્બે,

ખુદમાં રહું છું એ કહેવાપણું ગુમાવ્યું.

રાતના 9 કલાકને 35 મિનિટે કવિ સંમેલનનો સંચાલક તરીકે ડો. રઈશ મનીઆરે દોર સંભાળતા કહ્યું :

ગઝલ અમારી દાદ તમારી

એમ કહી કવિ બ્રિજ પાઠકને આમંત્રણ આપ્યું.

કેટલા વર્ષો છૂટા પડી ભેગા થતા

તે છતાં કેવી સહજતા સામસામી

ચાંદનીમાં આપનો ચહેરો જરા જોવો હતો

કમનશીબે રાત આખી સાવ કાળી હતી

આ ઉપરાંત 'જા મફતમાં દઈ દીધું' ગઝલની રજૂઆતે વાતાવરણ જમાવ્યું હતું.

----------------

'અભિગમ' તખલ્લુસ રાખનાર કવિ જતીન પરમારે પોતાની રચના રજૂ કરી :

અમારો અભિગમ દરદ ભુલનારો

નથી એની પાસે જખમના પુરાવો

મને આંખમાં ડૂબી જવા દો

પછી માંગજો સનમના પુરાવો

--------------------

ત્રીજા કવિ કમલેશ ચૌધરી 'અમન' :

છત, બારી, આંગણ છોડીને હું નીકળી ગયો

ખુદને ખુદમાંથી ખોળીને નીકળી ગયો છું

એક ચહેરાને વર્ષોથી મેં પંપાળ્યો તો

એ જ અરીસાને ફોડીને હું નીકળી ગયો છું.

છાપુ પણ એથી મેં ક્યારે બંધાવ્યું નહિ

મારા ફળિયાનાં ચોરો અખબારી છે

ઘરના હતા તોય રમી ના શક્યા બાળક

ઘર ચાલે માટે રમકડાંની લારી છે.

------------

કવિ પ્રમોદ પંડ્યા સોનેટ (14 પંક્તિનું કાવ્ય ) લખે છે. એમણે તરન્નુમમાં 'ચ્હા' શીર્ષકવાળું સોનેટ તેમજ બીજા બે કાવ્યો રજૂ કર્યા.

તારું આ હાસ્ય અકબંધ રાખું છું.

એ પળનું નામ સંબંધ રાખું છું.

ખાલી આ ઘરમાં મળેલી બધી સગવડોમાં

હતો એક કાગળ સાચવવા જેવો.

---------------------

વડોદરાથી પધારેલા કવિ ભરત ભટ્ટ 'પવન' :

આપી જાય તો પળમાં આપે

એનું કંઈ ઠેકાણું નહિ

ગોપીઓના વસ્ત્રો ચોરે માખણ પણ

એ પાછો ગીતા સમજાવે

એનું કંઈ ઠેકાણું નહિ

આંસુના ફોટા પાડી લે, એવું તો કંઈ ચાલે

દરિયાને ખુલ્લા પાડી દે, એવું તો કંઈ ચાલે

અમથુ અમથુ પહેલા કોઈ કારણ તો કહેવું

સીધેસીધું ના પાડી દે એવું તો કંઈ ચાલે

મન ફાવે તો બબ્બે દર્પણ જોડે રાખી ફરજે

પણ તું બે મોઢાની માથાકૂટમાં પડતો નહિ.

ઢોળાયું તુ થોડું અમૃત દેવોથી

સારું છે શંકરથી કંઈ ઢોળાયું નહિં

એને તાંદુલ ખાવા તા તો માંગેલા

સુદામાથી તો કંઈપણ મંગાયું નહિં

-----------------

કવિ કિરણસિંહ ચૌહાણની રજુઆત :

ફક્ત બે મહિના ગઝલ મેં લખી નહિં

બધા સમજી બેઠા, હું બહુ સુખી છું.

હું મારા વિશે એટલું કહી શકું

મઝા આવે એવો ગમતો આદમી છું.

તમને જે એવોર્ડ પર બહુ વ્હાલ હોય

એમાંય એક ટ્રોફી એક શાલ હોય

એકલી તલવારથી કંઈ થાય નહિં

જેની પાસે ઢાલ હોય

જો ભાઈ એ પણ ધંધો લઈને બેઠો છે

જે બીજાનો ઝંડો લઈને બેઠો છે.

એનાથી એ ચેતીને ચાલે છે લોકો

જે ગુસ્સો પણ ઠંડો લઈને ચાલે છે

ગઝલગાયક મનહર ઉધાસે કવિ કિરણસિંહ ચૌહાણની ગાયેલી ગઝલ

સુખ ગયુ તો એ જ રીતે, દુઃખ રવાના થઇ જશે

આપણા દિવસો ફરીથી બહુ મઝાના થઈ જશે

મારી જે નિંદા કરે છે એમને કરવા જ દો

સત્ય જ્યારે જાણશે, મારા દિવાના થઈ જશે

આપણે મોટા થવા કંઈ પણ કરવું નહિં પડે

આપણી ઈર્ષા કરીને લોક નાના થઈ જશે.

એક શૈર પર વિવેચકને વાંધો હોય છે

જેના પર લોકો ઉછળીને દાદ આપે છે.

આખી દુનિયા ફરજો પણ

ઇન્ડિયા જેવી કન્ટ્રી ક્યાંય નહિં મળે

---------------

અમદાવાદથી પધારેલા કવિ કૃષ્ણ દવેએ ભરૂચ સાથેના સંસ્મરણો યાદ કરી લાગણીનો માણસ પરાગજી બાપૂજી, ડો.પી.ટી.દવેને અને એમિટી સ્કૂલના સમારંભમાં પધારેલ ડો. રાજેન્દ્ર શાહની સાથે વિતાવેલી ક્ષણોને કાવ્યરૂપે રજૂ કરી.

‘આપણે તો ભાઈ ક્યાંય ગયા નહિં’ અને ‘આપણે તો મલકતા રહીયે’

ચૂંટણી જાહેર થઇ છે, ત્યારે એક બાળકે નેતાની સાથે કરેલો સંવાદ રજૂ કર્યો.

અંકલ, તમે આટલા ટેન્શનમાં કેમ છો ?

બેટા ચૂંટણી છે ને એટલે

ચૂંટણી એટલે શું?

લોકશાહીની પરીક્ષા

અમારે દર ત્રણ મહિને પરીક્ષા આવે

નેતા કહે અમારે તો પાંચ વરસે...

ખોબલે ખોબલે વચનો આપી રાખવાના....

અંતે પરિણામ આવે ત્યારે નેતા PAને પૂછે

પેલા એતો ગોતી કાઢો, જીતી ગયાતા કેવી રીતે ?

અંતે ડૉ. રઇશ મનીઆરે ઝડપથી કાવ્યો રજૂ કર્યા, તથા સંચાલન દરમિયાન કહેલી કેટલીક પંક્તિઓ....

સુગંધ પુષ્પની પામીયે એને અડક્યા સિવાય

નિકટ જશો તો કશુ નહિ મળે...

સંબંધમાંથી સમય ખાસ કંઈ હરી ન શક્યો

બધું જ જેમનું તેમ હતું ઉમળકા સિવાય

કિનારાઓ અલગ રહીને ઝરણ જીવતું રાખે

અલગતા આપણી સ્મરણને જીવતું રાખે

અનાયાસે તો જીવનમાં બધું જ

પ્રયાસો વિસ્મરણનો સ્મરણના જીવતું રાખે

બોર કેવા હોય છે, શબરીને પૂછો

રામને પૂછો તો મીઠા જ કહેશે

આ પગરખાઓ દિવસની વાત કહેશે

રાત વીતી કેમ ઓશીકા કહેશે.

બે ઘરોની પીઠને પૂછો

શહેરની ફૂટપાથને નિશાળ કહેશે

પરણીને પસ્તાય તો કહેતો નહિં

ડૉ. રઇશ મનીઆરનું લોકજીભે રમતું કાવ્ય સંભળાવી સૌનો આભાર માની રાત્રિના 11 કલાક અને ૩૦ મિનિટે શુભરાત્રિ કહ્યુ...

નોંધ : કવિગણે રજૂ કરેલ એમની કૃતિઓ સાંભળીને દાદ આપતા કાગળ પર ટપકાવતો ગયો એટલે ક્યાંકને ક્યાંક એમાં ક્ષતિ રહી હશે જ. જે બદલ દરગુજર કરશો.

ખાલીપણાનો ભાર હશે, ક્યાં ખબર હતી!

Next Story