બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામ સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે આજે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શનિવારે દાદાની પ્રતિમાને દિવ્ય વાઘા તેમજ સિંહાસનને વિવિધ ફળોનો શણગાર કરવામાં આવ્યો હતો.

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શનિવારે હરિભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. આજના પાવન અવસરે કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાની પ્રતિમાને દિવ્ય વાઘા તેમજ સિંહાસનને વિવિધ ફળોનો શણગાર કરવામાં આવ્યો હતો. વહેલી સવારે 5:30 કલાકે મંદિરના મહંત સ્વામી દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે 7 કલાકે શણગાર આરતી બાદ મંદિરના પટાંગણમાં મારૂતિ યજ્ઞનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આ અવસરે કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ધરાવાયેલ દિવ્ય વાઘા સહિત સિંહાસનને કરાયેલ ફળ શૃંગારના દર્શન કરી હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી.