કેન્દ્રીય બજેટ 2023 ના દિવસે, સ્થાનિક શેરબજારમાં સકારાત્મક શરૂઆત થઈ. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઉછાળા સાથે ખુલ્યા હતા. નાણામંત્રી સીતારમણના બજેટ દરમિયાન પણ શેરબજાર મજબૂત બની રહ્યું હતું. સેન્સેક્સ 430 પોઈન્ટના વધારા સાથે 59,980.49 પર ટ્રેડ કરી રહ્યો છે. તે સમયે નિફ્ટી 116 અંકોના વધારા સાથે 17778 પર કારોબાર કરી રહ્યો છે. અગાઉ હિંડનબર્ગના અહેવાલે શેરબજારમાં હલચલ મચાવી હતી. દિગ્ગજ ઉદ્યોગપતિ અને એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ ગૌતમ અદાણીના શેરમાં ભારે ઘટાડો થયો અને ત્રણ દિવસમાં તેમની સંપત્તિ $34 બિલિયનથી વધુનું નુકસાન થયું.
વિશ્વના ટોપ-10 અમીરોની યાદીમાં ચોથા નંબરે રહેલા અદાણી 11મા સ્થાને સરકી ગયા. જો કે બજેટ પહેલા શેરબજારમાં આ પ્રકારની ઉથલપાથલ નવી નથી. છેલ્લા પાંચ વર્ષના ટ્રેન્ડ પર નજર કરીએ તો બજેટના એક મહિના પહેલા જ ચાર વખત શેરબજારને ઘણું નુકસાન થયું છે. માત્ર 2018માં જ નિફ્ટી-50 એ ચાર ટકાથી વધુનો ઉછાળો નોંધાવ્યો હતો. તો અન્ય ચાર વર્ષમાં સ્ટોક ઇન્ડેક્સમાં 0.2 થી 2.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.