વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી

વાલિયા ચોકડી-કોસમડી માર્ગ જોખમી બન્યો

રોડની કામગીરી વચ્ચે અકસ્માતનો ખતરો

માનવ મંદિર ટર્નિંગ પર કાર સાઈડમાં ખાબકી

દિશા સૂચક બોર્ડનો અભાવ, ડીવાયડરની માંગ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની વાલીયા ચોકડીથી કોસમડી સુધીનો માર્ગ ચોમાસાની સિઝનમાં વાહન ચાલકો માટે જોખમરૂપ સાબિત થઈ રહ્યો છે. માર્ગની કામગીરી વચ્ચે માનવ મંદિર ટર્નિંગ પર કાર રોડની સાઈડમાં ખાબકી જતાં અકસ્માત સર્જાયો હતો.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની વાલિયા ચોકડીથી કોસમડી સુધીના માર્ગ પર તંત્રની ઘોર બેદરકારીના કારણે અકસ્માતનો મોટો ભય ઊભો થયો છે. ચોમાસાની સિઝન વચ્ચે તંત્રની આ નિષ્કાળજી વાહનચાલકો માટે જીવનું જોખમ બની રહી છે, ત્યારે વાલિયા ચોકડી તરફથી કોંઢ ગામ તરફ જતાં વાહન ચાલકની કાર માનવ મંદિર નજીક આવેલા ટર્નિંગ પર રોડની સાઈડમાં ખાબકી જતાં અકસ્માત સર્જાયો હતો.

રોડની સાઈડમાં એક તરફના બન્ને ટાયરો ઉતારી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવના પગલે લોકોના ટોળાં ભેગા થયા હતા, જ્યારે ક્રેનની મદદથી ભારે જહેમત બાદ કારને બહાર કાઢવામાં આવી હતી. જોકે, સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાનિ ટળતા લોકોએ રાહત અનુભવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, અંકલેશ્વરના વાલિયા ચોકડીથી કોસમડી સુધીના માર્ગ પર હાલ ફોરલેન બનાવવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આ માર્ગ પર કોઈપણ પ્રકારના રીફલેક્ટર કે, દિશા સૂચક બોર્ડ મુકવામાં આવ્યા નથી, ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે માર્ગ પર હંગામી ડીવાયડર, રેડિયમ રીફલેક્ટર અને ઠેર ઠેર ભયસૂચક બોર્ડ મુકવામાં આવે તેવી વાહનચાલકોની માંગ છે.