છત્તીસગઢના નક્સલ અસરગ્રસ્ત બીજાપુર જિલ્લામાં શનિવારે સલામતી દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ ચાલી હતી. શનિવારે બપોરે શરૃ થયેલી અથડામણ લગભગ સાંજ સુધી ચાલી હતી. આ અથડામણમાં 22 જવાન શહીદ થઈ ગયા છે અથડામણમાં ત્રણ નક્સલવાદીઓ પણ ઠાર થયા છે. શહીદ થયેલા જવાનોમાં ડીઆરજીના ચાર અને સીઆરપીએફના એક જવાનનો સમાવેશ થાય છે. જોકે, ઈજાગ્રસ્ત જવાનો અંગે કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી.
રાજ્યના પોલીસ મહાનિદેશક ડીએમ અવસ્થીએ જણાવ્યું કે શહીદ જવાનોના પાર્થીવ શરીર તર્રેમ પોલીસ સ્ટેશન લઈ જવાયા છે. આ ઘટના જિલ્લા મુખ્યાલયથી અંદાજે ૭૫ કિ.મી દૂર સિલગેર ગામ પાસે જોન્નગુડાના જંગલોમાં થઈ હતી. ઘટનાસ્થળેથી બે નક્સલીઓના મૃતદેહ પણ મળ્યા હોવાનું જણાવાય છે. ઈજાગ્રસ્ત જવાનોને બહાર કાઢવા માટે એરફોર્સના હેલિકોપ્ટર અને નવ એમ્બ્યુલન્સ સ્થળ પર રવાના કરાયા છે. સુકમા અને બીજાપુરથી બેકઅપ ફોર્સ પણ મોકલાઈ છે.
સુકમા અને બીજાપુર જિલ્લાના સરહદીય જંગલોમાં નક્સલીઓની બટાલિયન નંબર એક સક્રિય છે. તેનો કમાન્ડર હિડમા આ વિસ્તારમાં હોવાની માહિતી મળી હતી. આથી બીજાપુર જિલ્લાના તર્રેમ ક્ષેત્રમાં સીઆરપીએફની કોબરા બટાલિયન, ડીઆરજી અને એસટીએફના અંદાજે ૪૦૦ જવાનોને નક્સલ વિરોધી અભિયાન માટે રવાના કરાયા હતા.
આ દરમિયાન ઘાત લગાવીને બેઠેલા નક્સલીઓએ જવાનોની ટૂકડી ક્ષેત્રમાં પહોંચતા જ તેમના પર ગોળીબાર શરૃ કરી દીધો હતો. તેમણે ઉમેર્યું કે, સલામતી દળના જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરતાં ત્રણ નક્સલી માર્યા ગયા હોવાના સમાચાર છે. આ અથડામણ સાંજે પાંચ વાગ્યા સુધી ચાલુ રહી હતી.