છોટાઉદેપુરના રાજવાસણા ખાતે હેરણ નદી પર રૂપિયા 80 કરોડના ખર્ચે રાજ્યનો પ્રથમ રબર ડેમ આકાર પામી ચૂક્યો છે. રાજ્યના જળ વ્યવસ્થાપનમાં નવો અધ્યાય ઉમેરવા જઈ રહેલા આ ડેમનું નિર્માણ કાર્ય હવે અંતિમ ચરણમાં છે. ચોમાસા દરમિયાન પૂર નિયંત્રણ તેમજ અન્ય ઋતુઓમાં મહત્તમ જળસંગ્રહ કરવો એ આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ છે.

220 મીટર લાંબા આ ડેમના 180 મીટર વિસ્તારમાં 60-60 મીટરનાં ત્રણ વિશેષ રબર બ્લેડર બેસાડવામાં આવ્યા છે.ડેમમાં કાંપ ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ રૂપે, માત્ર 30 મિનિટમાં હવાની મદદથી ડેમની ઊંચાઈ વધારી કે ઘટાડીને પાણીનો સંગ્રહ અને નિકાલ સરળતાથી નિયંત્રિત કરી શકાશે.

ચોમાસા બાદ નર્મદા નદીમાં વહી જતાં હેરણ નદીનાં નીરનો હવે સ્થાનિક ખેતી અને ગ્રામીણ વિકાસ માટે મહત્તમ સદુપયોગ થશે. રાજવાસણાનો આ અનોખો પ્રયોગ સમગ્ર રાજ્ય માટે ટકાઉ જળસંચય અને સ્માર્ટ જળ વ્યવસ્થાપનનું ઉત્તમ મોડેલ સાબિત થશે.