ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કડોદરા ગામ નજીક આવેલી BVC કંપની સામે સ્થાનિકો દ્વારા રોજગારી સહિતના વિવિધ પડતર પ્રશ્નોને લઈને ધરણાં અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કડોદરા ગામ સ્થાનિકો અને ખાસ કરીને લેન્ડલુઝર પરિવારોને રોજગારીમાં પૂરતી તક આપવામાં આવતી ન હોવાનો BVC કંપનીના સત્તાધીશો સામે આક્ષેપો સાથે મોટી સંખ્યામાં સ્થાનિકો દ્વારા ધરણાં અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક યુવાનોને પ્રાથમિકતા સાથે રોજગારી આપવા તેમજ લાંબા સમયથી પડતર પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી હતી. ધરણાં અને વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થાનિકોએ ભારે રોષ સાથે નારા લગાવી કંપનીના સંબંધિત જવાબદાર અધિકારીઓ સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ઔદ્યોગિક વિકાસ માટે પોતાની જમીન આપનાર લેન્ડલુઝર પરિવારો અને આસપાસના ગામોના સ્થાનિક યુવાનોને રોજગારી તથા અન્ય બાબતોમાં યોગ્ય હક અને પ્રાથમિકતા મળવી જોઈએ. કંપની દ્વારા સ્થાનિકોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ ન આવે ત્યાં સુધી આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી સ્થાનિકો દ્વારા આપવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.
