ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે ‘મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ શિષ્યવૃત્તિ યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. આ શિષ્યવૃત્તિ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દર વર્ષે પરીક્ષા લેવામાં આવે છે અને તેમાં મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને સરકાર દ્વારા સ્કોલરશીપ આપવામાં આવે છે. વર્ષ 2026 માં લેવાયેલી આ પરીક્ષામાં ભરૂચ જિલ્લાના કુલ 2449 વિદ્યાર્થીઓ કામચલાઉ મેરિટ યાદીમાં સમાવિષ્ટ થયા છે. મેરિટમાં સ્થાન મેળવનાર આ વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશન અને શાળા પસંદગીની પ્રક્રિયા તારીખ 8-5-2026 થી શરૂ કરવામાં આવી છે, જે 15-5-2026 સુધી ચાલશે.
              
ભરૂચ જિલ્લામાં વર્ષ 2022-23 થી 2025-26 સુધીમાં આ યોજના હેઠળ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ લાભાન્વિત થયા છે, જેમાં ધોરણ 9 ના 427, ધોરણ 10 ના 423 અને ધોરણ 11 ના 386 મળીને કુલ 1226 વિદ્યાર્થીઓ હાલમાં આ શિષ્યવૃત્તિનો લાભ મેળવી રહ્યા છે. આ યોજના હેઠળ શિષ્યવૃત્તિના દરોમાં વિવિધતા રાખવામાં આવી છે; જેમાં ધોરણ 9 અને 10 માં અભ્યાસ કરતા સરકારી અને ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓને વાર્ષિક ₹6,000, જ્યારે એમપેનલ્ડ નોન-ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓને વાર્ષિક ₹22,000 આપવામાં આવે છે. તેવી જ રીતે, ધોરણ 11 અને 12 માં અભ્યાસ કરતા સરકારી અને ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓને વાર્ષિક ₹7,000 અને એમપેનલ્ડ નોન-ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓને વાર્ષિક ₹25,000 ની શિષ્યવૃત્તિ મળવાપાત્ર થાય છે.