ભરૂચના આમોદના મછાસરા ગામનો બનાવ

તળાવના પાણી મુદ્દે ઘમાસાણ

તળાવમાંથી પાણી ઉલેચી લેવાયું

હજારો માછલના મોતનો દાવો

ખેડૂતોને પણ પાણીની જરૂરિયાત

ભરૂચના આમોદ તાલુકાના મછાસરા ગામે તળાવના પાણી મુદ્દે ઘમાસણ જોવા મળી રહ્યું છે મત્સ્ય ઉદ્યોગ માટે ફાળવાયેલ તળાવમાંથી ખેડૂતોએ સિંચાઈ માટે પાણી લેતા તળાવમાં રહેલા માછલાઓના મોત નીપજયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે

ભરૂચના આમોદ તાલુકાના મછાસરા ગામમાં તળાવના પાણીના ઉપયોગને લઈને વિવાદ વકર્યો છે. તળાવના પાણીનો ઉપયોગ માછીમારી અને ખેતી માટે કરવાના મુદ્દે ખેડૂતો અને ગ્રામ પંચાયત વચ્ચે મતભેદ સર્જાતાં મામલો ગરમાયો છે. પોતાના ઉભા પાકને બચાવવા પાણીની માંગ કરી રહેલા ખેડૂતો અને સરપંચપતિ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનો વિડીયો પણ વાયરલ થયો હતો.

મછાસરા ગામના તળાવની આશરે રૂ. 4.02 લાખમાં મત્સ્ય ઉદ્યોગ માટે હરાજી કરવામાં આવી હતી. ત્યારબાદ તળાવના પાણીના ઉપયોગને લઈને વિવાદ ઊભો થયો હતો. ખેડૂતો દ્વારા સિંચાઈ માટે તળાવમાંથી પાણી ખેંચી લેવામાં આવતાં સેંકડો માછલીઓનાં મોત થયાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ, તળાવના પાણીના ઉપયોગને લઈને પંચાયત અને ખેડૂતો વચ્ચે વિવાદ સર્જાતાં ગામમાં તણાવની સ્થિતિ ઊભી થઈ છે.

હાલમાં ખેડૂતોના ખેતરોમાં કપાસ સહિતના પાક ઊભા છે, પરંતુ પાણીના અભાવે પાક સુકાઈ રહ્યો હોવાની ખેડૂતોની ફરિયાદ છે. સમયસર સિંચાઈ માટે પાણી નહીં મળે તો મહેનત કરીને તૈયાર કરેલો પાક બળી જવાની અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આથી ખેડૂતોએ તળાવમાંથી ખેતી માટે પાણી આપવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો.

આ સમગ્ર મામલે પંચાયત સભ્ય ઇબ્રાહિમ પટેલે આક્ષેપ કર્યો હતો કે તંત્રની નિષ્ફળતા સાબિત કરવા માટે તળાવનું પાણી ઉલેચવામાં આવ્યું હતું. 

એક તરફ તળાવના પાણીના ઉપયોગ અને માછલીઓનાં મોતનો મુદ્દો છે, તો બીજી તરફ પાણીના અભાવે બળી રહેલા ઉભા પાકને બચાવવાનો ખેડૂતો સામે પડકાર છે.તો બીજી તરફ મત્સ્ય ઉદ્યોગ માટે ફળવાયેલ તળાવમાં માછલીઓના જીવ અને આર્થિક નુક્શાનીનો પ્રશ્ન છે ત્યારે તંત્ર આ મામલે શુ નિવેડો લાવે છે એ જોવું રહ્યું.