મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સાથે બુધવાર તા.ર૯ જુલાઇએ રાજકોટ અને વડોદરાની કોરોના સંક્રમણ નિયંત્રણની સ્થિતિની સમીક્ષા માટે એક દિવસીય મુલાકાત લેશે.
તેઓ બુધવાર સવારે ૧૦-૩૦ કલાકે રાજકોટ પહોચીને રાજકોટ શહેર તેમજ ગ્રામીણ ક્ષેત્રની કોરોના કોવિડ-19ની સ્થિતી સંદર્ભમાં કલેકટર મ્યુનિસિપલ કમિશનર ડી.ડી.ઓ તેમજ શહેર પોલીસ કમિશનર સાથે સમીક્ષા બેઠક યોજશે. મુખ્યમંત્રી - નાયબ મુખ્યમંત્રી ત્યારબાદ સાંસદઓ, ધારાસભ્યો અને રાજકોટના મેયર તથા મહાપાલિકાના પદાધિકારીઓ સાથે બેઠક યોજવાના છે. વિજયભાઇ રૂપાણી અને નીતિનભાઇ પટેલ IMA રાજકોટ બ્રાન્ચના અગ્રણી તબીબો અને રાજય સરકારના મહત્વપૂર્ણ ડૉકટરો સાથે પણ મિટીંગ કરવાના છે.
તેઓ ત્યારબાદ રાજકોટમાં મિડીયા બ્રિફીંગ કરશે અને બપોર બાદ વડોદરા જવા રવાના થશે. મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી સાથે રાજકોટ-વડોદરાની આ સમીક્ષા મુલાકાતમાં મુખ્ય સચિવ અનિલ મૂકીમ, મુખ્યમંત્રી ના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ પણ જોડાવાના છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી-નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને આ વરિષ્ઠ અધિકારીઓ સાથે બપોર બાદ ૩-૦૦ વાગ્યે વડોદરા પહોચશે. તેઓ વડોદરામાં પણ શહેર અને ગ્રામીણ ક્ષેત્રની કોરોના સંક્રમણ નિયંત્રણ સ્થિતીની સમીક્ષા માટે જિલ્લાના શહેરી અને વહિવટીતંત્ર-પંચાયત-પોલીસતંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજશે. મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રી વડોદરા શહેર જિલ્લાના વિધાયકો, મહાનગરપાલિકાના મેયર અને પદાધિકારીઓ તેમજ IMAના વડોદરા બ્રાન્ચના અગ્રણી તબીબો સાથે તબક્કાવાર બેઠક યોજી સ્થિતીની વિગતો મેળવી માર્ગદર્શન આપવાના છે. વડોદરામાં બેઠકોની શૃંખલા પૂર્ણ કરીને મુખ્યમંત્રીશ્રી-નાયબ મુખ્યમંત્રી મિડીયા બ્રિફીંગ કરશે અને ત્યારબાદ ગાંધીનગર પરત આવશે.