/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/21135644/maxresdefault-151.jpg)
દેશભરમાં કોરોના વેક્સિનની પ્રકિયા ઝડપથી આગળ વધી રહી છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ગાંધીનગર ખાતે સેક્ટર-8માં આવેલ સરકારી હોસ્પિટલમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. તો સાથે જ આગામી તા. 1 મેંથી શરૂ થનાર બીજા તબક્કાના રસીકરણમાં 18 વર્ષથી ઉપરના તમામ યુવા અને નાગરિકોને રસી લેવા માટે અનુરોધ કર્યો હતો.
આજરોજ ગાંધીનગરમાં સેક્ટર-8માં આવેલ સરકારી હોસ્પિટલ ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આધાર કાર્ડ દ્વારા રજિસ્ટ્રેશન કરાવી કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. કોરોનાની રસી લીધા બાદ મીડિયા સાથે વાતચીત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે, કોરોનાથી બચવા માટે વેક્સિન જ અમોધ શસ્ત્ર છે. જે આપણને મળ્યુ છે ત્યારે હાલ રાજ્યમાં 45 વર્ષથી વધુ વયના વ્યકિતઓ માટે ચાલી રહેલ અને આગામી તા. 1 મેંથી 18 વર્ષથી ઉપરના તમામ યુવાઓ માટે શરૂ થનાર રસીકરણ કાર્યક્રમમાં સૌ યુવાઓ અને નાગરિકોને રસી લેવા માટે અનુરોધ કર્યો હતો. જોકે પ્રવર્તમાન સંજોગોમાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતક બની છે, ત્યારે ડૉક્ટરની સલાહ મુજબ વેક્સિનના બન્ને ડોઝ લેવા માટે લોકોને અપીલ કરી હતી. ગુજરાત સરકારે પણ વેક્સિનના બીજા ડોઝ અંગે આગોતરું આયોજન કરી સંપૂર્ણ વ્યવસ્થાઓ ગોઠવી દીધી છે.