દેડિયાપાડાની મોસ્કુટ આશ્રમશાળામાં બની વિચિત્ર ઘટના

11 બાળકો એક પછી એક અચાનક ધુણવા લાગતા દોડધામ

અંધશ્રદ્ધા કે માનસિક અસર તપાસનો વિષય બન્યો  

ઘટનાને પગલે શિક્ષકોના જીવ તાળવે ચોંટ્યા

તબીબોના મતે માનસિક બાબત હોવાનો ખુલાસો

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના મોસ્કુટ ગામની મહાત્મા ગાંધી આશ્રમશાળામાં અચાનક એક પછી એક બાળકો ધુણવા લાગતા દોડધામ મચી ગઈ હતી.

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના મોસ્કુટ ગામની મહાત્મા ગાંધી આશ્રમશાળામાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.શાળાના સમય બાદ અચાનક જ એક બાળક ધૂણવા લાગ્યો હતો, જેને જોઈને જોતજોતામાં એક પછી એક એમ કુલ 11 જેટલા બાળકો ધૂણવા લાગતા શાળા પરિસરમાં ભારે દોડધામ અને અફરાતફરી મચી ગઈ હતી. બાળકોની આવી સ્થિતિ જોઈને ઉપસ્થિત શિક્ષકોના પણ જીવ તાળવે ચોંટી ગયા હતા.

સ્થિતિ વણસતા મુખ્ય શિક્ષકે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો અને તમામ બાળકોને સારવાર અર્થે દેડિયાપાડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. શરૂઆતમાં બાળકોને ફૂડ પોઇઝનિંગ થયું હોવાની વાતો વહેતી થઈ હતી, પરંતુ સ્થળ પર તબીબોએ તપાસ કરતા બાળકોમાં ઝાડા, ઉલટી કે પેટમાં દુખાવા જેવા કોઈ લક્ષણો મળ્યા નહોતા. ડોક્ટરોના જણાવ્યા મુજબ આ કોઈ શારીરિક ઝેરની અસર નથી પરંતુ માનસિક સ્થિતિ સાથે જોડાયેલી બાબત હોવાથી વધુ ચકાસણી માટે બાળકોને રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.

આ અંગે આશ્રમ શાળાના મદદનીશ શિક્ષિકા કલ્પનાબેન વસાવાએ જણાવ્યું હતું કે  એક પછી એક બાળકો ધુણવા લાગ્યા હતા,જોકે ફૂડ પોઇઝનિંગ હોવાની વાત વહેતી થઈ હતી,પરંતુ તમામ બાળકોના રિપોર્ટ નોર્મલ આવ્યા છે,અને સાથી શિક્ષકો અને ગ્રામજનોનુ સાથ સહકાર સારો મળ્યો હોવાનું જણાવ્યું હતું.

બીજી તરફ આ રહસ્યમય ઘટનાને પગલે મોસ્કુટ ગામના સરપંચ, સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. ઘટના બાદ આશ્રમશાળાના શિક્ષકો વચ્ચેનો આંતરિક વિખવાદ પણ સપાટી પર આવ્યો છે, જેને કારણે બાળકોના શિક્ષણ અને સુરક્ષા પર ગંભીર અસરો પડી રહી હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. હાલ તો રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં બાળકોની સારવાર અને તપાસ ચાલી રહી છે, પરંતુ શાળામાં બનેલી આ વિચિત્ર ઘટનાએ સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી છે.

ઘટનાને પગલે ગ્રામજનોમાં દોડધામ થતા ગામના સરપંચ ગુલાબસિંગ પણ શાળા ખાતે પહોંચ્યા હતા,અને શિક્ષકો તેમજ તબીબો સાથે સંકલન કરીને ઘટના અંગે માહિતી મેળવી હતી,અને તમામ બાળકો સ્વસ્થ હોવાનું તેઓએ જણાવ્યું હતું.

આ અંગે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો.જનક માઢકે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ‘બાળકોના તમામ તબીબી પરીક્ષણો નોર્મલ આવ્યા છે. બાળકોની પીડિયાટ્રીશિયન અને મનોચિકિત્સક દ્વારા પણ તપાસ કરવામાં આવી છે. તબીબી ભાષામાં આ સ્થિતિને કન્વર્ઝન ઈવેન્ટ અથવા માસ હિસ્ટીરિયા કહેવામાં આવે છે. આ કોઈ શારીરિક કે માનસિક બીમારી નથી, તેમજ કોઈ અંધશ્રદ્ધા કે ભૂત-પ્રેતનો મામલો નથી. નાની વયના બાળકો પોતાની ભાવનાઓ વ્યક્ત કરવા માટે અથવા આસપાસના વાતાવરણમાં મોટા લોકોને જોઈને તેનું કોપી કરતા હોય છે.

જ્યારે ગામના પૂર્વ સિંચાઈ સમિતિના ચેરમેન ફતેસિંગ વસાવાએ જણાવ્યું હતું કે શાળાના શિક્ષકો વચ્ચેના આંતરિક વિખવાદ ઘટનામાં જવાબદાર હોવાનું તેઓએ જણાવ્યું હતું.