પોલીસનો પ્રજાની સુરક્ષા સાથે સેવા યજ્ઞ

અંબાજી પદયાત્રીઓ માટે વિસામાની કરી અદભૂત વ્યવસ્થા

પાંચ દિવસ ચા-નાસ્તો અને બે ટાઈમ ભોજન વ્યવસ્થા

દર વર્ષે આશરે 10 હજાર પદયાત્રીઓએ લીધો સુવિધાનો લાભ

પોલીસના સેવાયજ્ઞને પદયાત્રીઓએ બિરદાવ્યો 

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પોલીસ હેડક્વાર્ટસમાં અંબાજી પદયાત્રીઓ માટે વિસામો શરૂ કરવામાં આવ્યો છે.પાંચ દિવસ ચા-નાસ્તો અને બે ટાઈમ ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે.

સાબરકાંઠામાંથી પસાર થતા અંબાજીના પદયાત્રીઓ માટે હિંમતનગર જિલ્લા પોલીસ કચેરીમાં વિસામાનું આયોજન કરાયું છે. જિલ્લા ડિસ્ટ્રિક્ટ પ્રિન્સિપાલ જજ એમ.પી. પુરોહિત, જિલ્લા પોલીસ વડા ડો.પાર્થરાજસિંહ ગોહિલ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ સી.પી.ચારણ સહિતના અધિકારીઓની હાજરીમાં પૂજા-આરતી કરવામાં આવી હતી.

પદયાત્રીઓ માટે ભોજન, ચા-નાસ્તા સહિતની સુવિધાઓ રાખવામાં આવી છે.હિંમતનગરમાં જિલ્લા પોલીસ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અંબાજી જતા પદયાત્રીઓ માટે વિસામાનું આયોજન કરાયું છે.

દર વર્ષે આશરે 10 હજાર જેટલા પદયાત્રીઓ આ સુવિધાનો લાભ લે છે. સાબરકાંઠા જિલ્લા ડિસ્ટ્રિક્ટ પ્રિન્સિપાલ જજ એમ.પી.પુરોહિતના હાથે વિસામાનું ઉદ્ઘાટન થયું હતું. આ સમયે જિલ્લા પોલીસ વડા ડો.પાર્થરાજસિંહ ગોહિલ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ સી.પી.ચારણ અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

કાનૂની સેવા સત્તા મંડળ પદયાત્રીઓને કાનૂની સેવાઓ વિશે માહિતી આપી રહ્યું છે, જ્યારે ફાતિમા હોસ્પિટલ આરોગ્ય સેવાઓ પૂરી પાડી રહી છે.પદયાત્રીઓની સુરક્ષા માટે હાઈવેનો એક તરફનો રસ્તો તેમના માટે ફાળવાયો છે. કલેક્ટરના જાહેરનામા મુજબ, આ રસ્તા પર વાહનોની અવરજવર બંધ રહેશે અને તેનો ઉપયોગ ફક્ત પદયાત્રીઓ કરશે.

પોલીસે પદયાત્રીઓને રાત્રિ રોકાણ દરમિયાન પાણીના ખાબોચિયા કે નદીના કિનારા જેવી જોખમી જગ્યાએ ન રોકાવા વિનંતી કરી છે. ખેડબ્રહ્મા પાસે હરણાવ નદી અને ખેરોજ નજીક સાબરમતી નદી હોવાથી પોલીસે જરૂરી બંદોબસ્ત પણ ગોઠવ્યો છે.