ભરૂચ નગરપાલિકાની યોજાઈ હતી સામાન્ય સભા

સભાની કાર્યવાહી રદ્દ કરવા માંગ

ગેર બંધારણીય રીતે સભા પૂર્ણ કરાય હોવાના આક્ષેપ

કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રજુઆત

મિનિટ્સ બુકની તપાસ કરાવવા માંગ

ભરૂચ નગરપાલિકાની 17 જુલાઈએ યોજાયેલી સામાન્ય સભાની કાર્યવાહી અને તેમાં થયેલા ઠરાવોને રદબાતલ જાહેર કરવાની માંગ વિપક્ષ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે.

ભરૂચ નગરપાલિકાની 17 જુલાઈએ યોજાયેલી સામાન્ય સભા બાદ રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. નગરપાલિકાના વિપક્ષી સભ્યોએ પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી સભાની સમગ્ર કાર્યવાહી અને તેમાં થયેલા ઠરાવોને રદબાતલ જાહેર કરવાની માંગ કરી છે.

વિપક્ષના સભ્યોના આક્ષેપ મુજબ સામાન્ય સભા દરમિયાન વર્ષ 2025-26ના હિસાબોને મંજૂરી આપવા સંબંધિત મુદ્દે ચર્ચા ચાલી રહી હતી.આ દરમિયાન વિપક્ષ દ્વારા મુખ્ય અધિકારી સમક્ષ હિસાબોને લગતા પ્રશ્નો અને પુરાવા આધારિત ખુલાસાઓ માંગવામાં આવ્યા હતા.જોકે, મુખ્ય અધિકારી જવાબ આપે તે પહેલાં જ સત્તાધારી પક્ષના સભ્યો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હોવાનું આવેદનપત્રમાં જણાવાયું છે.

વિપક્ષનો આક્ષેપ છે કે ત્યારબાદ કોઈપણ પ્રકારની પૂર્વ સૂચના કે ગૃહ મોકૂફીની જાહેરાત કર્યા વિના અચાનક રાષ્ટ્રગીત શરૂ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રગીત પૂર્ણ થયા બાદ સભા સમાપ્ત થઈ હોવાનું જાહેર કરી સત્તાધારી પક્ષના સભ્યો સભાખંડમાંથી નીકળી ગયા હતા.આવેદનપત્રમાં જણાવાયું છે કે એજન્ડાના ક્રમાંક-4 સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કે મતદાન થયું નહોતું, છતાં સભા પૂર્ણ જાહેર કરવામાં આવી હતી. વિપક્ષે આ સમગ્ર પ્રક્રિયાને ગુજરાત નગરપાલિકા અધિનિયમ-1963 તથા સભાના નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું છે.

વિપક્ષી સભ્યોએ  રજૂઆત કરી છે કે 17 જુલાઈની સામાન્ય સભાની સમગ્ર કાર્યવાહી ગેરકાયદેસર જાહેર કરી રદબાતલ કરવામાં આવે, એજન્ડાના અધૂરા મુદ્દાઓ સંબંધિત કોઈ ઠરાવો પસાર થયા હોવાનું દર્શાવવામાં આવે તો તેના પર તાત્કાલિક રોક લગાવવામાં આવે તેમજ સભાની વીડિયોગ્રાફી અને મિનિટ્સ બુકની તટસ્થ તપાસ કરાવવામાં આવે.