ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (BCCI) એ હોમ ગ્રાઉન્ડ પર વેસ્ટ ઈન્ડિઝ સામે રમાનારી 3 વનડે (ODI) અને 5 ટી20 મેચોની સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. 27 સપ્ટેમ્બરથી શરૂ થનારી આ શ્રેણીમાં દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલીની વનડે ટીમમાં વાપસી થઈ છે. આ ઉપરાંત અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પણ ટીમમાં પરત ફર્યા છે.

ઓક્ટોબર 2025 માં રોહિત શર્માના સ્થાને શુભમન ગિલને વનડે ટીમનો કપ્તાન બનાવવામાં આવ્યો હતો, પરંતુ રોહિત શર્માએ વનડે ફોર્મેટ રમવાનું ચાલુ રાખ્યું છે. 2027 વનડે વર્લ્ડ કપ રમવાની તેમની ઈચ્છા વચ્ચે પસંદગીકારોએ તેમના અનુભવ પર ભરોસો મૂકીને વિરાટ અને રોહિત બંનેની પસંદગી કરી છે.

આઈપીએલ 2026 બાદથી સ્પર્ધાત્મક ક્રિકેટથી દૂર રહેલા હાર્દિક પંડ્યા ફિટનેસની સમસ્યાના કારણે ફરી એકવાર ટીમમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યા છે. બીજી તરફ, નમન ધીર, આકિબ નબી અને પ્રિન્સ યાદવ જેવા યુવા ખેલાડીઓને સ્થાન આપીને ભવિષ્યની ટીમ બનાવવાનો સંકેત આપવામાં આવ્યો છે. ટી20 શ્રેણી માટે શ્રેયસ અય્યરને કપ્તાન અને તિલક વર્માને ઉપ-કપ્તાન બનાવાયા છે.

શુભમન ગિલ (કપ્તાન), રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, કે.એલ. રાહુલ (ઉપ-કપ્તાન), ધ્રુવ જુરેલ, નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનૂર બ્રાર, મોહમ્મદ સિરાજ, આકિબ નબી, યશસ્વી જેસવાલ, નમન ધીર.