મોપેડ ગટર લાઇનના ખાડામાં ખાબકતા સર્જાયો હતો અકસ્માત

દુર્ઘટનામાં એક આશાસ્પદ યુવાનનું નીપજ્યું હતું કરૂણ મોત

અંકલેશ્વર AAP દ્વારા મૃતકના પરિવારજનોની મુલાકાત લેવાય

ઘટનામાં પાલિકા તંત્રની બેદરકારી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા

રોડ પરના ખાડાઓનું વહેલીતકે સમારકામ કરવા માટે માંગ ઉઠી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં મોપેડ ગટર લાઇનના ખાડામાં ખાબકતા સર્જાયેલા અકસ્માતમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું, ત્યારે અંકલેશ્વર આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ મૃતકના પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના અંતરનાથ મહાદેવ મંદિર નજીક ગતરોજ મોપેડ સવારોને અકસ્માત નડતા 2 પૈકી એક યુવાનનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. મોપેડ ગટર લાઇનના ખાડામાં ખાબકતા આ અકસ્માત સર્જાયો હોવાનું બહાર આવ્યું છે, ત્યારે આશાસ્પદ યુવાનના કરુણ અવસાન બાદ અંકલેશ્વર આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ મૃતકના પરિવારજનોની મુલાકાત લઈ દુઃખની ઘડીમાં સાંત્વના પાઠવી હતી.

આ સાથે જ સ્થાનિકો અને યુવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, વિસ્તારમાં ખુલ્લી અને ઉભરાતી ગટર, કચરો-ગંદકી, તૂટેલા રોડ અને મોટા ખાડાઓની સમસ્યા લાંબા સમયથી છે. વારંવાર ફરિયાદો છતાં યોગ્ય કામગીરી નહીં થતી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં, આ ઘટનામાં પાલિકા તંત્રની બેદરકારી અંગે ગંભીર સવાલો ઊભા થયા છે, ત્યારે ખુલ્લી અને ઉભરાતી ગટરની સમસ્યા દૂર કરવામાં આવે, કચરો અને ગંદકી સાફ કરવામાં આવે તથા રોડના ખાડાઓનું વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

જો સમસ્યા અંગે સમયસર કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પાલિકા કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.