-
ભાવનગરમાં કોંગ્રેસનું ભવ્ય આભાર દર્શન મહાસંમેલન
-
આગામી ચૂંટણીઓને લઈ કોંગ્રેસ એક્શન મોડમાં
-
સંગઠન મજબૂત કરવા કમર કસી
-
શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ
-
કોંગ્રેસે ઉમેદવારો-કાર્યકરોનું કર્યું સન્માન
ભાવનગરમાં કોંગ્રેસ દ્વારા આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠન મજબૂત બનાવવા તરફ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. શહેરના ચિત્રા વિસ્તારમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં કોંગ્રેસનું આભાર દર્શન મહાસંમેલન યોજાયું હતું.
તાજેતરમાં રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ભાવનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા આભાર દર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગરના ચિત્રા વિસ્તારમાં યોજાયેલા આ મહાસંમેલનમાં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી લડનાર જીતેલા અને હારેલા તમામ ઉમેદવારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર અને તેની કાર્યપદ્ધતિ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કરતા જણાવ્યું કે ભાજપ દ્વારા પૈસાની રાજનીતિ, પોલીસ તંત્રનો દુરુપયોગ અને વિરોધી ઉમેદવારોના પરિવારજનો પર દબાણ જેવી રીતો અપનાવી ચૂંટણી જીતવાનો પ્રયાસ કરવામાં આવે છે.
આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા દેશમાં હાલની રાજકીય અને સામાજિક પરિસ્થિતિ મુદ્દે પણ ભાજપ સરકારની ટીકા કરવામાં આવી હતી. સાથે જ કોંગ્રેસ સંગઠનને વધુ મજબૂત બનાવી વર્ષ 2027 ની વિધાનસભા ચૂંટણી માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ મહાસંમેલનમાં શહેર અને જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો, બુથ લેવલના કાર્યકરો તેમજ વર્ષોથી કોંગ્રેસ માટે કાર્યરત કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
